<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

વાલીઓ માટે ખુશખબર: હવે બાળકના ‘બાલ આધાર’ માટે લાંબી કતારોમાંથી મુક્તિ, માત્ર ૫ જ મિનિટમાં ઘરે બેઠા કે પોસ્ટ ઓફિસમાં કરાવો મફત નોંધણી

દસ્તાવેજોનો બોજ ઘટ્યો: ૫ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિકની પણ જરૂર નથી; માત્ર જન્મનું પ્રમાણપત્ર અને માતા-પિતાના આધારથી બની જશે કાર્ડ

રાજકોટ: તા.૦૬ આજના સમયમાં આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. શાળામાં પ્રવેશ લેવો હોય કે સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, બાળકનું આધાર કાર્ડ હોવું અત્યંત જરૂરી છે. જોકે, નાના બાળકોને લઈને આધાર કેન્દ્ર પર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું વાલીઓ માટે માથાનો દુખાવો સાબિત થતું હોય છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે ‘બાલ આધાર’ મેળવવાની પ્રક્રિયાને હવે પાણી જેવી સરળ બનાવી દીધી છે.

હવે ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલ આધાર મેળવવો એ માત્ર ૫ મિનિટની રમત છે. ખાસ વાત એ છે કે આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક (ફ્રી) છે. તમારે હવે મોટા દસ્તાવેજોના થોથા ભેગા કરવાની જરૂર નથી. માત્ર બે જ ડોક્યુમેન્ટ્સ - બાળકનું જન્મનું પ્રમાણપત્ર અને માતા અથવા પિતા પૈકી કોઈ એકનું આધાર કાર્ડ લઈને નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. નાના બાળકોના કિસ્સામાં કોઈ પણ પ્રકારના બાયોમેટ્રિક (આંગળીના નિશાન કે આંખનું સ્કેન) લેવામાં આવતા નથી, જે પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે.

તમારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસ હવે આધાર કેન્દ્ર તરીકે પણ કાર્યરત છે. ત્યાં જઈને તમારે માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે. દસ્તાવેજોની ચકાસણી બાદ માતા-પિતાનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને બાળકનો ફોટો લેવામાં આવશે. પ્રક્રિયા પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં બ્લુ કલરનું 'બાલ આધાર' તમારા ઘરના સરનામે પહોંચી જશે. આ ઉપરાંત, તમે ઓનલાઇન ઈ-આધાર પણ ડાઉનલોડ કરી શકો છો. યાદ રાખો, ૫ વર્ષ સુધીના બાળકો માટે આ સેવા મફત છે, તેથી કોઈને પણ વધારાના પૈસા ચૂકવશો નહીં.

(5:41 PM IST)