<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

વૈશ્વિક અર્થતંત્ર પર મધ્ય પૂર્વના યુદ્ધના કાળા વાદળો: કતારની ચેતવણી - 'જો જંગ નહીં રોકાય તો દુનિયાભરની ઇકોનોમી ધ્વસ્ત થઈ જશે'

ઉર્જા સંકટનો ખતરો: ઈરાની ડ્રોન હુમલા બાદ ગલ્ફ દેશોના નિકાસકારોમાં ફફડાટ; ગેસ અને તેલના સપ્લાયમાં ‘ફોર્સ મેજ્યોર’ લાગુ થવાની શક્યતાથી હાહાકાર

દોહા: તા.૦૬ મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભરખી જવાની તૈયારીમાં છે. કતારના ઉર્જા મંત્રી સાદ અલ-કાબીએ એક અત્યંત ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે, તો વૈશ્વિક અર્થતંત્ર પતન તરફ ધકેલાઈ જશે. ખાસ કરીને ઈરાની ડ્રોન હુમલા બાદ જે રીતે તેલ અને ગેસના નિકાસ ક્ષેત્ર પર અસર પડી છે, તેનાથી આવનારા દિવસોમાં દુનિયાભરમાં મોંઘવારીનો વિસ્ફોટ થઈ શકે છે.

કતાર, જે વિશ્વના સૌથી મોટા ઉર્જા નિકાસકારોમાંનું એક છે, તેના મંત્રીએ સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ગલ્ફ ક્ષેત્રના નિકાસકારો 'ફોર્સ મેજ્યોર' (Force Majeure) કલમોનો ઉપયોગ કરી શકે છે. આનો અર્થ એ છે કે યુદ્ધ જેવી અનિવાર્ય પરિસ્થિતિને કારણે કંપનીઓ કરાર મુજબનો સપ્લાય પૂરો પાડવા માટે કાયદેસર રીતે બંધાયેલી રહેશે નહીં. કાબીએ સ્પષ્ટ કર્યું કે જે કંપનીઓએ હજુ સુધી આ કલમ લાગુ કરવાની વિનંતી નથી કરી, તેઓ પણ આગામી થોડા દિવસોમાં આમ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ સ્થિતિ માત્ર ખાડી દેશો માટે જ નહીં, પરંતુ ભારત સહિતના તે આયાતકાર દેશો માટે પણ ખતરાની ઘંટડી છે જેઓ ઈંધણ માટે મધ્ય પૂર્વ પર નિર્ભર છે. જો ગેસ અને ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાશે તો ટ્રાન્સપોર્ટથી લઈને ઉત્પાદન સુધીના તમામ ક્ષેત્રોમાં ખર્ચ વધી જશે, જેના પરિણામે વિશ્વભરના શેરબજારો અને સામાન્ય જનતાના ખિસ્સા પર સીધો ફટકો પડશે. કતારની આ ચેતવણીએ સ્પષ્ટ કરી દીધું છે કે શાંતિ સ્થાપવા માટે હવે વિશ્વના શક્તિશાળી દેશોએ આગળ આવવું અનિવાર્ય છે.

(5:42 PM IST)