<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પંજાબમાં લોહીની હોળી: મોગામાં સરપંચની ધોળા દિવસે ૧૨ રાઉન્ડ ફાયરિંગ કરી કરપીણ હત્યા, બુલેટપ્રૂફ કારને બદલે થારમાં આવવું ભારે પડ્યું

ફોર્ચ્યુનરમાં આવેલા હુમલાખોરોએ જિમની બહાર જ ખેલ પાડ્યો: ૮ ગોળીઓ શરીરને વીંધી ગઈ; વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં સરપંચોની હત્યાના સિલસિલાથી ફફડાટ

ચંદીગઢ: તા.૦૬ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના મોગા જિલ્લામાં સામે આવી છે. મોગાના બાઘાપુરાણામાં પટ્ટો હીરા સિંહ ગામના વર્તમાન સરપંચ હરપિંદર સિંહ ઉર્ફે 'હેપ્પી'ની ધોળા દિવસે જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ એટલી ક્રૂરતા દાખવી હતી કે સરપંચ પર ૧૦ થી ૧૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આઠ ગોળીઓ તેમના શરીરમાં ધસી ગઈ હતી અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.

ઘટનાની વિગતો મુજબ, સરપંચ હેપ્પી સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યે બાઘાપુરાણા-કોટ કપૂરા રોડ પર આવેલા પોતાના જિમ પર પહોંચ્યા હતા. તેઓ પોતાની થાર ગાડીમાંથી નીચે ઉતર્યા જ હતા કે અગાઉથી ફોર્ચ્યુનર કારમાં ટાંપીને બેઠેલા ૪ થી ૫ હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ભરી બજારે થયેલા આ ગોળીબારથી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો અંગત દુશ્મનાવટનો હોય તેમ લાગે છે.

એક ભૂલ અને હુમલાખોરોને મળી ગઈ તક!

રસપ્રદ અને કરુણ વાત એ છે કે, હરપિંદર સિંહ હેપ્પીને લાંબા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. આ ડરને કારણે તેઓ હંમેશા બુલેટપ્રૂફ કારમાં જ મુસાફરી કરતા હતા. જોકે, કમનસીબે આજે તેઓ પોતાની સુરક્ષિત કારને બદલે સામાન્ય થાર ગાડી લઈને નીકળ્યા હતા. હુમલાખોરો કદાચ આ જ તકની રાહ જોઈ રહ્યા હતા અને જેવી તેમને તક મળી કે તરત જ તેમણે હરપિંદર સિંહનો શિકાર કરી લીધો.

પંજાબમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સરપંચોની હત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જાન્યુઆરીમાં અમૃતસર અને ત્યારબાદ જલંધર તથા તરનતારનમાં પણ આમ આદમી પાર્ટીના સરપંચોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેવામાં રાજકીય અને વ્યક્તિગત અદાવતમાં થઈ રહેલી આ હત્યાઓએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે દરોડા પાડી રહી છે.

(5:49 PM IST)