News of Friday, 6th March 2026
મહારાષ્ટ્ર બજેટમાં ભાવુક ક્ષણો: મુખ્યમંત્રી ફડણવીસે સ્વ. અજિત પવારને સમર્પિત કર્યું બજેટ, ભવ્ય સ્મારક અને નવા રાજ્ય પુરસ્કારની ગુંજ
ખેડૂતો માટે ‘વસુધા’ સેવાનો પ્રારંભ અને મેટ્રો નેટવર્કનો મહા-વિસ્તાર: પશુપાલનને કૃષિ સમાન દરજ્જો; મુંબઈમાં ૨૦ લાખ ઝૂંપડપટ્ટીઓના પુનર્વિકાસ સાથે વિકાસની નવી ઉડાન

મુંબઈ: તા.૦૬ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું રાજ્ય બજેટ રજૂ કર્યું ત્યારે વિધાનસભામાં એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ આ વર્ષનું બજેટ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવારની સ્મૃતિમાં સમર્પિત કર્યું હતું. ભાવુક સ્વરે ફડણવીસે જણાવ્યું કે, ૧૧ વખત બજેટ રજૂ કરનાર અજિત પવારની શિસ્ત અને આર્થિક સૂઝને કારણે જ મહારાષ્ટ્ર આજે મજબૂત સ્થિતિમાં છે. તેમની યાદમાં મહારાષ્ટ્ર સરકાર એક ભવ્ય સ્મારક બનાવશે અને શ્રેષ્ઠ વહીવટી અધિકારીઓ માટે 'ગતિમાન નાગરિક સેવા પુરસ્કાર' શરૂ કરશે.
ખેડૂતો અને પશુપાલકો માટે યોજનાઓનો વરસાદ
આ બજેટમાં કૃષિ ક્ષેત્રને હાઈ-ટેક બનાવવાનો સંકલ્પ લેવાયો છે. પશુપાલન અને મત્સ્યઉદ્યોગને હવે કૃષિ સમાન જ ગણવામાં આવશે, જેનો અર્થ છે કે પશુપાલકોને પણ ખેડૂતોની જેમ જ સબસિડી અને લોનની સુવિધાઓ મળશે. સ્માર્ટફોન ન ધરાવતા ખેડૂતો માટે ખાસ 'વસુધા' મેસેજિંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે, જે સીધા તેમના ફોન પર સરકારી યોજનાઓની માહિતી પહોંચાડશે. આ ઉપરાંત, ૫ લાખ હેક્ટર જમીનને કુદરતી ખેતી હેઠળ લાવવા માટે 'મહારાષ્ટ્ર કુદરતી ખેતી અભિયાન'ની જાહેરાત કરવામાં આવી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેટ્રોનું મોટું જાળું
મહારાષ્ટ્રના શહેરી વિકાસને વેગ આપવા માટે બજેટમાં મેટ્રો પ્રોજેક્ટ્સ માટે મોટી જોગવાઈ કરાઈ છે. મુંબઈ, નાગપુર અને પુણેમાં મેટ્રો નેટવર્ક વધારીને ૪૯૦ કિલોમીટર કરવામાં આવશે. ખાસ કરીને મુંબઈમાં વડાલાથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધીની મેટ્રો લાઈન ૧૧ નો ભૂગર્ભ પ્રોજેક્ટ ₹૨૩,૪૮૭ કરોડના ખર્ચે શરૂ થશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના ત્રણ સ્ટેશનો ૨૦૨૭ સુધીમાં તૈયાર થઈ જશે. આવાસ ક્ષેત્રે ૨૦ લાખ ઝૂંપડપટ્ટીઓનો પુનર્વિકાસ અને મધ્યમ વર્ગ માટે ૧૦ લાખ સસ્તા ઘરો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ઉદ્યોગ અને સામાજિક કલ્યાણ
રાજ્યના GDP ને ૫૦૦ બિલિયન ડોલર સુધી લઈ જવા માટે દરેક જિલ્લામાં ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર વિકસાવવામાં આવશે. મહિલાઓ માટેની લોકપ્રિય 'લડકી બહેન યોજના' ચાલુ રહેશે, પરંતુ હવે તેનો લાભ વાસ્તવિક જરૂરિયાતમંદોને મળે તે માટે નવી ચકાસણી પ્રક્રિયા લાગુ કરાઈ છે. મહારાષ્ટ્રને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આ બજેટ એક મજબૂત પાયો સાબિત થશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
