<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

બિહાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની અનોખી ‘અરજી’: “સાહેબ, મારા લગ્ન લેવાયા છે, પ્લીઝ પાસ કરી દેજો”, ઉત્તરવહીઓમાં નોટો પણ મળી!

મુઝફ્ફરપુરના મૂલ્યાંકન કેન્દ્રો પર પરીક્ષકો પણ ચકરાવે ચડ્યા: કોઈએ પિતાની બીમારીના સોગંદ આપ્યા તો કોઈએ ૧૦૦ની નોટ ચોંટાડી; માર્ચના અંત સુધીમાં પરિણામની શક્યતા

મુઝફ્ફરપુર: બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ (BSEB) દ્વારા લેવામાં આવેલી ઇન્ટર અને મેટ્રિકની પરીક્ષાઓ બાદ હવે ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, આ મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન પરીક્ષકોના હાથે એવા જવાબો લાગી રહ્યા છે જે વાંચીને તેઓ પણ માથું ખંજવાળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યારે બિહારના વિદ્યાર્થીઓની આ ‘ભાવનાત્મક વિનંતીઓ’ જોરદાર વાયરલ થઈ રહી છે.

મુઝફ્ફરપુરના એક કેન્દ્ર પર તપાસ દરમિયાન એક એવી ઉત્તરવહી સામે આવી જેમાં વિદ્યાર્થીએ પ્રશ્નનો જવાબ લખવાને બદલે પરીક્ષકને વિનંતી કરતા લખ્યું હતું કે, “સાહેબ, મારા લગ્ન નક્કી થઈ ગયા છે, જો હું ફેઈલ થઈશ તો મુશ્કેલી થશે, એટલે મહેરબાની કરીને મને પાસ કરી દેજો.” માત્ર લગ્ન જ નહીં, કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની નબળી આર્થિક સ્થિતિ અને પિતાની બીમારીના બહાના હેઠળ વધુ ગુણ આપવાની આજીજી કરી છે.

હદ તો ત્યારે થઈ જ્યારે કેટલીક નકલોમાં વિદ્યાર્થીઓએ પરીક્ષકોને રીઝવવા માટે લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો. એક વિદ્યાર્થીનીએ તો ઉત્તરવહીના બીજા પાના પર ૧૦૦ રૂપિયાની નોટ ફેવિકોલથી ચોંટાડી દીધી હતી! જોકે, બોર્ડના કડક નિયમોને કારણે પરીક્ષકો આવી લાલચ કે લાગણીમાં આવ્યા વિના સ્થાપિત પ્રોટોકોલ મુજબ જ ગુણ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં આ વર્ષે ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઇન્ટરની પરીક્ષા આપી છે. મુઝફ્ફરપુરના પાંચ કેન્દ્રો પર આશરે ૧,૩૦૦ શિક્ષકો દિવસ-રાત નકલો તપાસી રહ્યા છે. બોર્ડની યોજના મુજબ, માર્ચના ત્રીજા અઠવાડિયા સુધીમાં ૧૨મા ધોરણનું અને માર્ચના અંત સુધીમાં ૧૦મા ધોરણનું પરિણામ જાહેર થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ ‘વિચિત્ર વિનંતીઓ’ કરનારા વિદ્યાર્થીઓનું પરિણામ શું આવે છે!

(6:15 PM IST)