<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

આસામના આકાશમાં કાળમુખી દુર્ઘટના: રાત્રિ તાલીમ દરમિયાન Su-30 ફાઇટર જેટ ક્રેશ, વાયુસેનાના બે જાંબાઝ પાઇલટ શહીદ

જોરહાટ એરબેઝથી ઉડાન ભર્યા બાદ રડાર સાથે સંપર્ક તૂટ્યો: કાર્બી આંગલોંગની પહાડીઓમાં વિમાનનો કાટમાળ મળ્યો; રક્ષામંત્રી રાજનાથ સિંહે શહીદ સ્ક્વોડ્રન લીડર અને ફ્લાઇટ લેફ્ટનન્ટને આપી શ્રદ્ધાંજલિ

ગુવાહાટી: આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય વાયુસેના (IAF) નું અત્યાધુનિક Su-30 ફાઇટર જેટ રાત્રિ તાલીમ (Night Training) દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતા બે તેજસ્વી પાઇલટોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. વાયુસેનાએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે આ કરુણ ઘટનામાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુર્ગાકર શહીદ થયા છે. આ સમાચારથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો મુજબ, આ શક્તિશાળી વિમાને જોરહાટ એરબેઝ પરથી રાબેતા મુજબની તાલીમ માટે ઉડાન ભરી હતી. જોકે, રાત્રે લગભગ ૭:૪૨ વાગ્યે અચાનક રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ પહાડી જિલ્લા કાર્બી આંગલોંગના ચોકીહોલા વિસ્તારમાં જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને સ્થાનિકોએ જંગલોમાં ભીષણ આગ જોઈ હતી. ગ્રામીણો અને બચાવ ટુકડીઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, જેમાં વિમાનનો કાટમાળ અને બંને પાઇલટોના મૃતદેહ મળી આવ્યા હતા.

રક્ષામંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર પ્રત્યેની તેમની હિંમત અને સેવાને હંમેશા ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં આખું રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારોની સાથે મજબૂત રીતે ઉભું છે.” Su-30MKI એ રશિયન ટેક્નોલોજી પર આધારિત અને ભારતની HAL દ્વારા નિર્મિત અત્યંત ઘાતક ફાઇટર જેટ માનવામાં આવે છે. આ અકસ્માત પાછળના ટેકનિકલ કારણો જાણવા માટે વાયુસેના દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

(7:08 PM IST)