<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ઈરાનનો ભયાનક વળતો પ્રહાર: જૉર્ડન અને યુએઈમાં અમેરિકાની થાડ રડાર સિસ્ટમનો ખાતમો: યુએઈના રૂવૈસ, સાદેરમાં આવેલા સૈન્ય મથકો પર પણ હુમલા કર્યા છે, ૭ મહત્વની ઈમારતોને ભારે નુકસાન

ખામેનેઈની હત્યા બાદ ભડકેલું ઈરાન: ૫૦ કરોડ ડૉલરનું અમેરિકી રડાર રાખમાં ફેરવાયું: રડાર સિસ્ટમ નષ્ટ: મધ્ય-પૂર્વમાં અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમને દાયકાઓનો સૌથી મોટો ફટકો

અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને બદલો લેતા જૉર્ડન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ હુમલા કરીને અમેરિકાની અત્યંત આધુનિક 'થાડ' રડાર સિસ્ટમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. સેટેલાઇટ તસવીરોમાં થયેલા જંગી નુકસાનના પુરાવા મળ્યા છે.
તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા અત્યંત ગુપ્ત અને ઘાતક હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. આ ઐતિહાસિક ઘટના બાદ ઈરાને હવે આક્રમક સૈન્ય પ્રહાર શરૂ કરી દીધા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અને નવીનતમ સેટેલાઇટ તસવીરો પુષ્ટિ આપે છે કે ઈરાને જૉર્ડન, યુએઈ અને કતારમાં સ્થિત અમેરિકી સૈન્ય બેઝને મુખ્ય નિશાન બનાવ્યા છે.
જૉર્ડનના મુવાફક સાલ્ટી એર બેઝ પર તૈનાત અમેરિકાની સૌથી આધુનિક ગણાતી 'થાડ' (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ) મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના રડારને ઈરાની મિસાઈલોએ સચોટ રીતે વીંધી નાખ્યું છે. 
નિષ્ણાતોના મતે, રેથિયોન કંપની દ્વારા નિર્મિત આ 'એએન/ટીપીવાય-૨' રડારની કિંમત અંદાજે ૫૦ કરોડ ડૉલર એટલે કે આશરે ૪૧૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. હુમલાની તીવ્રતા એટલી ભયાનક હતી કે સેટેલાઇટ ઈમેજમાં રડારની આસપાસ રેતીમાં ૧૩ ફૂટ પહોળા મોટા ખાડાઓ જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે એકસાથે અનેક મિસાઈલો છોડવામાં આવી હતી. પાંચ મોટા ટ્રેલર પર ગોઠવાયેલી આ સમગ્ર રડાર સિસ્ટમ હવે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી છે.
આ ઉપરાંત, યુએઈના રૂવૈસ અને સાદેર વિસ્તારોમાં આવેલા સૈન્ય મથકો પર પણ ઈરાને હુમલા કર્યા છે, જેમાં ૭ જેટલી મહત્વની ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 'થાડ' સિસ્ટમ ૨૦૦ કિલોમીટર દૂરથી અને ૧૫૦ કિલોમીટરની ઊંચાઈએથી દુશ્મનની મિસાઈલોને હવામાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈપણ એર ડિફેન્સમાં રડાર તેની 'આંખ' સમાન હોય છે. ઈરાને આ રડાર ખતમ કરીને અમેરિકાના સુરક્ષા કવચને તોડી નાખ્યું છે, જેને અમેરિકી સેના માટે દાયકાઓનો સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે

(7:09 PM IST)