News of Friday, 6th March 2026
નક્સલવાદના તાબુતમાં છેલ્લો ખીલો: અમિતભાઈ શાહનું મોટું એલાન - "આ જ મહિનાના અંત સુધીમાં ભારત માઓવાદના સકંજામાંથી સંપૂર્ણ મુક્ત થઈ જશે"
લાલ કોરિડોરનું સપનું કાયમ માટે રોળાઈ જશે: CISF હવે દેશના તમામ બંદરોની સુરક્ષા સંભાળશે અને ડ્રોન વિરોધી કામગીરી માટે બનશે નોડલ એજન્સી; પારાદીપમાં ₹750 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ

કટક: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ઓડિશાની ધરતી પરથી દેશની આંતરિક સુરક્ષાને લઈને એક અત્યંત ઐતિહાસિક અને સાહસિક જાહેરાત કરી છે. કટકમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના ૫૭મા સ્થાપના દિવસના પાવન અવસરે સંબોધન કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માર્ચ ૨૦૨૬ ના અંત સુધીમાં ભારત નક્સલવાદના જોખમમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે સુરક્ષા દળોના શૌર્યને બિરદાવતા કહ્યું કે, તિરુપતિથી પશુપતિનાથ સુધી 'લાલ કોરિડોર' બનાવવાનું માઓવાદીઓનું લોહિયાળ સપનું હવે કાયમ માટે ચકનાચૂર થઈ ગયું છે.
ગૃહમંત્રીએ CISF ની ભૂમિકાને વિસ્તારતા એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો કે, હવેથી દેશના તમામ મુખ્ય બંદરોની સુરક્ષાની જવાબદારી CISF ને સોંપવામાં આવશે. આ ઉપરાંત, આધુનિક યુગના જોખમ એવા 'ડ્રોન' સામે લડવા માટે CISF ને નોડલ એજન્સી બનાવવામાં આવી છે, જે અંતર્ગત એક ખાસ વર્ટિકલ તૈયાર કરાશે. અત્યારે દેશના ૭૦ એરપોર્ટ અને ૩૬૧ મહત્વપૂર્ણ સંસ્થાનોને સુરક્ષા કવચ પૂરું પાડતી આ ફોર્સ હવે ભારતના ઔદ્યોગિક અને વ્યૂહાત્મક માળખાને વધુ મજબૂતી આપશે.
ઓડિશા બનશે પૂર્વી ભારતનું ‘ગુજરાત’: પારાદીપમાં વિકાસની નવી ઉડાન
સુરક્ષા કાર્યક્રમ બાદ અમિતભાઈ શાહે પારાદીપ ખાતે IFFCO ના પરિસરમાં ₹૭૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિશાળ સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં ઓડિશાનો વિકાસ ગુજરાતના મોડલ જેવો તેજ ગતિએ થશે. દરરોજ ૨૦૦૦ ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ ભારતની આયાત નિર્ભરતા ઘટાડશે. લગભગ ૬ લાખ મેટ્રિક ટન એસિડની આયાત ઘટવાથી દેશના કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચશે, જે સીધો ફાયદો ભારતીય ખેડૂતો અને અર્થતંત્રને કરાવશે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
