News of Friday, 6th March 2026
ઈરાનની માસ્ટર ગેમ કે ઇઝરાયલની ચૂક? IDF એ હેલિકોપ્ટર પર બોમ્બમારો કર્યો કે જમીન પરના ‘3D પેઇન્ટિંગ’ પર? સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવ્યો હોબાળો
ઈરાને ડમી હેલિકોપ્ટર બનાવી ઇઝરાયલને છેતર્યું હોવાનો નેટિઝન્સનો દાવો: થર્મલ ફૂટેજમાં દેખાતી આકૃતિ સાચું વિમાન છે કે માત્ર ચિત્ર? ‘ફેક’ વીડિયોના આક્ષેપો વચ્ચે IDF મૌન

તેલ અવીવ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા પર એક અજીબોગરીબ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે ઈરાનના એક ઘાતક Mi-17 હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. જોકે, આ હુમલાનો ઇન્ફ્રારેડ વીડિયો જાહેર થતા જ લોકોએ ઇઝરાયલને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નેટિઝન્સનો દાવો છે કે ઇઝરાયલે કોઈ વાસ્તવિક હેલિકોપ્ટર નહીં, પરંતુ જમીન પર દોરેલા તેના '3D પેઇન્ટિંગ' પર બોમ્બ ફેંક્યો છે!
૪ માર્ચના રોજ પોસ્ટ કરાયેલા આ ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મિસાઈલ હેલિકોપ્ટરના કોકપિટને અથડાય છે. પરંતુ જાગૃત યુઝર્સે ધ્યાન દોર્યું છે કે વિસ્ફોટ પછી પણ હેલિકોપ્ટરની પાંખો (રોટર બ્લેડ્સ) અને અન્ય હિસ્સાઓ હલ્યા સુદ્ધાં નથી. ઘણા યુઝર્સે એવી ટિપ્પણી કરી છે કે, “શું તમે ખરેખર એક ચિત્ર પર બોમ્બમારો કર્યો છે? જો આ અસલી હેલિકોપ્ટર હોત તો તેની પાંખોના ફુરચા ઉડી ગયા હોત.” કેટલાક લોકોનું માનવું છે કે ઈરાને ઇઝરાયલના મોંઘા મિસાઈલોનો બગાડ કરાવવા માટે જમીન પર આબેહૂબ દેખાતા ‘ડેકોય’ (છેતરવા માટે બનાવેલા ચિત્રો) બનાવ્યા છે.
શું છે સત્ય? વિજ્ઞાન અને દલીલોનો જંગ
બીજી તરફ, સંરક્ષણ નિષ્ણાતો અને કેટલાક યુઝર્સે IDF નો બચાવ પણ કર્યો છે. તેમણે દલીલ કરી છે કે આ થર્મલ કેમેરાનો વીડિયો છે, જેમાં વસ્તુની ગરમી (Heat Signature) દેખાય છે. પેઇન્ટિંગ ગરમી ઉત્પન્ન ન કરી શકે. વળી, વિસ્ફોટ પછી જે ટુકડાઓ હવામાં ઉડતા દેખાય છે તે પેઇન્ટિંગના નહીં પણ કોકપિટના છે. વીડિયોની ‘સમુદાય નોંધ’ (Community Note) માં પણ જણાવાયું છે કે ધુમાડો હેલિકોપ્ટરની પાંખોની નીચેથી પસાર થતો દેખાય છે, જે પેઇન્ટિંગના કિસ્સામાં અશક્ય છે.
હાલમાં આ વીડિયો 'સત્ય કે બનાવટી' ની લડાઈમાં ફસાયેલો છે. ઇઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ ઈરાનની આ કથિત ‘ચિત્રકલા’ એ વિશ્વભરના લશ્કરી વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે. જો આ ખરેખર પેઇન્ટિંગ હોય, તો તે આધુનિક યુદ્ધના ઇતિહાસમાં છેતરપિંડીનો સૌથી રમુજી અને સ્માર્ટ કિસ્સો ગણાશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
