<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

TDI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર EDની સર્જિકલ સ્ટ્રાઈક: મની લોન્ડરિંગ કેસમાં ₹206 કરોડની મિલકતો જપ્ત, 14 હજારથી વધુ મધ્યમ વર્ગના પરિવારો સાથે કરી હતી છેતરપિંડી

સોનીપતમાં 23 પ્રોજેક્ટ અધૂરા મૂકી ખરીદદારોના ₹4,619 કરોડ ડબાવી દીધા: પ્રમોટરોએ ઘર આપવાને બદલે ભંડોળ અન્ય કંપનીઓમાં વાળ્યું; ED દ્વારા અત્યાર સુધીમાં કુલ ₹250 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ

નવી દિલ્હી:  હજારો લોકોના પોતાના ઘરના સપનાને રોળનાર રિયલ એસ્ટેટ કંપની TDI ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જોરદાર સકંજો કસ્યો છે. મની લોન્ડરિંગના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરતા EDએ કંપનીની ₹206 કરોડથી વધુની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી લીધી છે. આ જપ્તીમાં હરિયાણાના સોનીપત ખાતે આવેલી 8.3 એકર જમીન અને અનેક વ્યાવસાયિક એકમોનો સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસ અને આર્થિક ગુના શાખા (EOW) દ્વારા દાખલ કરવામાં આવેલી 26 FIR ના આધારે શરૂ થયેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ વર્ષ 2005 થી 2014 દરમિયાન સોનીપતમાં 23 જેટલા હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સના નામે 14,000 થી વધુ નિર્દોષ ખરીદદારો પાસેથી અંદાજે ₹4,619 કરોડ ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જોકે, 18 વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી ઘણા ખરીદદારોને તેમના ફ્લેટનું પઝેશન મળ્યું નથી.

 

ગ્રાહકોના પૈસાથી અંગત મિલકતો વસાવી

ED ના જણાવ્યા મુજબ, કંપનીના પ્રમોટરોએ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે ખરીદદારોના નાણાંનો ઉપયોગ કરવાને બદલે, આ ભંડોળને તેમની પેટાકંપનીઓ અને જમીન માલિકી ધરાવતી કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધું હતું. આ નાણાંનો ઉપયોગ ગ્રાહકોને ઘર આપવાને બદલે નવી જમીનો ખરીદવા અને અન્ય ખાનગી હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.

આ અગાઉ પણ EDએ આ જ કેસમાં ₹45 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આજની નવી કાર્યવાહી સાથે, TDI કેસમાં જપ્ત કરવામાં આવેલી કુલ સંપત્તિનો આંકડો હવે ₹250 કરોડને પાર કરી ગયો છે. EDની આ કડક કાર્યવાહીથી એવા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેઓ ગ્રાહકોના પરસેવાની કમાણી હડપ કરી જાય છે.

(8:07 PM IST)