News of Friday, 6th March 2026
મિસાઈલ વર્ષા વચ્ચે શાંતિની શોધ: ઈરાનના રાષ્ટ્રપતિનો મોટો ખુલાસો - "અમેરિકા અને ઇઝરાયલ સાથેના જંગને રોકવા અનેક દેશો મેદાનમાં, મધ્યસ્થીના પ્રયાસો શરૂ"
બેલિસ્ટિક મિસાઈલ 'ખોરમશહર-4' ના પ્રહાર અને યુદ્ધની જ્વાળાઓ વચ્ચે મસૂદ પેઝેશ્કિયાનનો શાંતિનો રાગ; ઈરાને કહ્યું - "શાંતિ જોઈએ છે, પણ સાર્વભૌમત્વ સાથે સમજૂતી નહીં"

તેહરાન: પશ્ચિમ એશિયામાં જ્યારે રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને આખું વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના ભય નીચે છે, ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આજે જાહેર કર્યું હતું કે, અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને અટકાવવા અને મામલો થાળે પાડવા માટે કેટલાક મિત્ર દેશોએ મધ્યસ્થી (Mediation) ના પ્રયાસો તેજ કર્યા છે.
રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું કે ઈરાન હંમેશા કાયમી શાંતિનો પક્ષધર રહ્યું છે. જોકે, તેમણે આડકતરી ચેતવણી પણ આપી કે શાંતિના પ્રયાસોનો અર્થ એવો નથી કે ઈરાન પોતાની રાષ્ટ્રીય ગરિમા અને સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ કરશે. ઈરાન પોતાના દેશની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોવાનું પણ તેમણે પુનરોચ્ચાર્યું હતું.
વાતચીત અને વિસ્ફોટ - એક સાથે!
આશ્ચર્યની વાત એ છે કે, એકતરફ શાંતિની વાતો થઈ રહી છે, તો બીજી તરફ ઈરાને ઇઝરાયલ પર હુમલાનો નવો રાઉન્ડ શરૂ કરી દીધો છે. અહેવાલો મુજબ, ઈરાની સેનાએ ઇઝરાયલના વ્યૂહાત્મક સ્થાનોને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. આ હુમલામાં ઈરાને તેની સૌથી ઘાતક અને સુપર-હેવી મિસાઈલ 'ખોરમશહર-4' નો પણ ઉપયોગ કર્યો હોવાના સમાચાર છે. આ મિસાઈલ હજારો કિલોમીટર સુધી વિનાશ વેરવાની ક્ષમતા ધરાવે છે.
યુદ્ધના મેદાનમાં જે રીતે એકતરફ મિસાઈલો વરસી રહી છે અને બીજી તરફ પડદા પાછળ મધ્યસ્થીના પ્રયાસો થઈ રહ્યા છે, તે જોતા પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગૂંચવાયેલી જણાય છે. હવે જોવાનું એ રહેશે કે કયા દેશોની મધ્યસ્થી કામ લાગે છે કે પછી મિસાઈલ જંગ જ નિર્ણાયક સાબિત થાય છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
