<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ફ્લિપકાર્ટમાં ‘પર્ફોર્મન્સ’ના નામે મોટી છટણી: વાર્ષિક સમીક્ષા બાદ ૩૦૦ જેટલા કર્મચારીઓને ઘરભેગા કરાયા, IPO પહેલા કંપનીનું આકરું વલણ

એકબાજુ પાયાના કર્મચારીઓની વિદાય અને બીજી બાજુ વરિષ્ઠ અધિકારીઓની બમ્પર ભરતી; સિંગાપોરથી ભારત શિફ્ટ થઈ રહેલી વોલમાર્ટ-સમર્થિત કંપનીએ આર્થિક નુકસાન વચ્ચે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી:  ભારતની અગ્રણી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અત્યારે મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. કંપનીએ શુક્રવારે તેની વાર્ષિક કામગીરી સમીક્ષા (Annual Performance Review) પૂર્ણ કર્યા બાદ અંદાજે ૨૫૦ થી ૩૦૦ કર્મચારીઓને છૂટા કર્યા હોવાના અહેવાલ છે. વોલમાર્ટના રોકાણ ધરાવતી આ કંપની તેના સૂચિત આઈપીઓ (IPO) ની તૈયારી કરી રહી છે, જે પહેલા ખર્ચ ઘટાડવા અને સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે આ આકરું પગલું ભરવામાં આવ્યું છે.

કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ નિયમિત અંતરે કામગીરીની સમીક્ષા કરે છે અને જે કર્મચારીઓ કંપનીની અપેક્ષાઓ પર ખરા નથી ઉતરતા, તેમને સંસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. જોકે, ફ્લિપકાર્ટ દ્વારા અસરગ્રસ્ત કર્મચારીઓને નવા સ્થાને નોકરી શોધવામાં મદદરૂપ થવા માટે 'ટ્રાન્ઝિશન સપોર્ટ' આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.

નુકસાનમાં વધારો પણ આવક ઉછળી

નાણાકીય આંકડાઓની વાત કરીએ તો, ફ્લિપકાર્ટ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ₹૫,૧૮૯ કરોડનું સંયુક્ત નુકસાન નોંધાવ્યું છે, જે અગાઉના વર્ષ કરતા વધુ છે. જોકે, બીજી તરફ કંપનીની આવકમાં ૧૭.૩% નો નોંધપાત્ર વધારો થયો છે, જે વધીને ₹૭૦,૫૪૧.૯ કરોડ પર પહોંચી છે. કંપનીનો કુલ ખર્ચ પણ ૧૭.૪% વધ્યો છે, જેનું મુખ્ય કારણ સ્ટોક ખરીદી પાછળ કરવામાં આવેલ મોટું રોકાણ છે.

IPO માટેની માસ્ટર ગેમ: સિંગાપોરથી વાપસી

ફ્લિપકાર્ટ હવે ભારતીય શેરબજારમાં લિસ્ટ થવાની પૂરજોશ તૈયારીમાં છે. તાજેતરમાં જ તેને સિંગાપોરથી તેનું મુખ્ય મથક (કાનૂની નિવાસસ્થાન) ભારતમાં ખસેડવાની મંજૂરી મળી ગઈ છે. આ પ્રક્રિયા દરમિયાન કંપની તેની અનેક પેટા કંપનીઓને વિલીન કરીને માળખું સરળ બનાવી રહી છે. આટલું જ નહીં, ફ્લિપકાર્ટે તાજેતરમાં સપ્લાય ચેઇન, ફાઇનાન્સ અને માનવ સંસાધન (HR) જેવા વિભાગોમાં ઉપપ્રમુખ (VP) કક્ષાના અનેક વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરીને તેની લીડરશિપ ટીમને વધુ મજબૂત બનાવી છે.

(8:22 PM IST)