News of Friday, 6th March 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધનો ભયાનક વળાંક: ઈરાન પાછળ રશિયાની ‘શક્તિ’, અમેરિકી સૈન્ય પર હુમલો કરવા પુતિન આપી રહ્યા છે ગુપ્ત માહિતી - US મીડિયાનો સનસનીખેજ દાવો
રશિયાના સેટેલાઇટ અને ઇન્ટેલિજન્સ હવે ઈરાનના હાથમાં? અમેરિકાના યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટના લોકેશન લીક થતા ખળભળાટ; ચીને મૌન જાળવ્યું, જ્યારે મધ્યસ્થી માટે પડદા પાછળ ખેલ શરૂ

વોશિંગ્ટન:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે માત્ર પ્રાદેશિક સંઘર્ષ મટીને વૈશ્વિક મહાસત્તાઓના જંગમાં ફેરવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકન મીડિયાએ ત્રણ ઉચ્ચ સત્તાવાર સ્ત્રોતોને ટાંકીને એક ચોંકાવનારો દાવો કર્યો છે કે રશિયા ગુપ્ત રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. અહેવાલો મુજબ, રશિયા તેની અત્યાધુનિક ગુપ્તચર ક્ષમતાઓનો ઉપયોગ કરીને અમેરિકી વિમાનો અને લશ્કરી થાણાઓના ચોક્કસ લોકેશન ઈરાન સાથે શેર કરી રહ્યું છે, જેથી ઈરાન સચોટ હુમલા કરી શકે.
યુએસ મીડિયાના અહેવાલ અનુસાર, શનિવારથી શરૂ થયેલી આ ભીષણ લડાઈમાં રશિયાએ ઈરાનને યુદ્ધ જહાજો સહિત અમેરિકાની મહત્વની સૈન્ય સંપત્તિ ક્યાં તૈનાત છે તેની માહિતી પૂરી પાડી છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકાનો બીજો મુખ્ય પરમાણુ સશસ્ત્ર હરીફ રશિયા, આ યુદ્ધમાં પરોક્ષ રીતે કૂદી પડ્યો હોવાના સંકેત મળ્યા છે. રશિયાની આ હિલચાલથી પશ્ચિમ એશિયામાં અમેરિકાના હિતો પર મોટું જોખમ ઊભું થયું છે.
રશિયા ઈરાન સાથે ખભેખભો મિલાવીને ઊભું છે, ત્યારે ચીનનું વલણ અત્યારે તટસ્થ દેખાઈ રહ્યું છે. ચીનના ઈરાન સાથે ગાઢ સંબંધો હોવા છતાં, બેઇજિંગે ઈરાનને કોઈ સૈન્ય મદદ કરી હોવાના પુરાવા મળ્યા નથી. ચીને માત્ર સંઘર્ષનો અંત લાવવાની અપીલ કરી છે. બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને દાવો કર્યો છે કે કેટલાક દેશોએ આ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થીના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે, તેમણે આ દેશોના નામ જાહેર કર્યા નથી.
ઈરાની રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રદેશમાં શાંતિ ઈચ્છે છે, પરંતુ પોતાના દેશના સન્માન અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે કોઈ પણ હદ સુધી જવામાં ખચકાશે નહીં. રશિયાની એન્ટ્રી બાદ હવે આ સંઘર્ષ કઈ દિશામાં જશે તેના પર આખી દુનિયાની નજર છે. જો રશિયાની ગુપ્ત માહિતીના આધારે ઈરાન કોઈ મોટો હુમલો કરે છે, તો અમેરિકાનો વળતો પ્રહાર અત્યંત ભયાનક હોઈ શકે છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
