<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

દેવભૂમિમાં ગુંજશે ‘હર હર મહાદેવ’નો નાદ: ૧૯ એપ્રિલથી અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે ચારધામ યાત્રાનો પ્રારંભ, આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ સાથે યાત્રાનો થશે મંગલ પ્રારંભ; ૨૨ એપ્રિલે બાબા કેદારનાથ અને ૨૩ એપ્રિલે ભગવાન બદ્રી વિશાલના દર્શન કરી શકશે શ્રદ્ધાળુઓ

દેહરાદૂન:હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવતી અને મોક્ષદાયિની ગણાતી ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાની તારીખોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે ૧૯ એપ્રિલના રોજ ‘અક્ષય તૃતીયા’ના શુભ મુહૂર્તે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલતાની સાથે જ યાત્રાનો વિધિવત પ્રારંભ થશે. હજારો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દેવભૂમિના દ્વાર હવે ભક્તો માટે ખૂલવા જઈ રહ્યા છે.
     યાત્રાના ક્રમમાં આગળ વધતા, વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના કપાટ ૨૨ એપ્રિલે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ત્યારબાદ ૨૩ એપ્રિલના રોજ ભગવાન બદ્રીનાથના દ્વાર ખુલતાની સાથે જ ચારેય ધામોની યાત્રા પૂર્ણ ક્ષમતા સાથે શરૂ થઈ જશે. હિમાલયની ગોદમાં આવેલા આ પવિત્ર ધામોમાં દર્શન કરવા માટે દેશ-વિદેશના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
  શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આજે સવારે ૭ વાગ્યાથી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ ખોલી દેવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ ચારધામની મુલાકાત લેવા માંગતા હોય તેઓ વહેલી તકે પોતાનું નામ નોંધાવી શકે છે, જેથી યાત્રા દરમિયાન કોઈ અગવડતા ન પડે.
સરકાર દ્વારા યાત્રાના માર્ગો પર સ્વાસ્થ્ય સુવિધાઓ, રહેવા-જમવાની વ્યવસ્થા અને રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ વખતે યાત્રામાં વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતાને જોતા તંત્ર દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભક્તિ અને શ્રદ્ધાના આ મહાકુંભમાં જોડાવા માંગતા ભક્તો હવે પોર્ટલ પર જઈને પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે

(8:35 PM IST)