News of Friday, 6th March 2026
પુતિનની ‘ગુપ્ત ચાલ’ થી ટ્રમ્પ સ્તબ્ધ: ઈરાન-ઇઝરાયલ જંગમાં રશિયાની પરોક્ષ એન્ટ્રી? અમેરિકી સૈન્યના લોકેશન લીક થતા મધ્ય પૂર્વમાં ખળભળાટ
“દુશ્મનનો દુશ્મન મિત્ર”: રશિયાના સેટેલાઇટ હવે ઈરાન માટે કરી રહ્યા છે જાસૂસી; અમેરિકી યુદ્ધ જહાજો અને વિમાનો પર હુમલો કરવા તેહરાનને મળી રહી છે ‘રીઅલ ટાઈમ’ માહિતી

મોસ્કો: પશ્ચિમ એશિયાના રણમેદાનમાં અત્યારે ગનપાઉડરની ગંધ અને લોહીની હોળી ખેલાઈ રહી છે, પરંતુ આ જંગ હવે માત્ર ઈરાન અને ઇઝરાયલ પૂરતો મર્યાદિત રહ્યો નથી. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના એક સનસનીખેજ ખુલાસાએ વોશિંગ્ટનથી લઈને તેલ અવીવ સુધી હડકંપ મચાવી દીધો છે. અહેવાલ મુજબ, રશિયા તેના અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહો દ્વારા ઈરાનને અમેરિકી સૈન્ય ગતિવિધિઓની સચોટ માહિતી પૂરી પાડી રહ્યું છે. આ સમાચારથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આઘાતમાં છે, કારણ કે તેઓ વ્લાદિમીર પુતિનને પોતાના "ખાસ મિત્ર" ગણાવતા હતા.
યુએસ અધિકારીઓનો દાવો છે કે ગયા શનિવારથી જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારથી રશિયાએ ઈરાનને અમેરિકી યુદ્ધ જહાજો, વિમાનો અને લશ્કરી થાણાઓના ચોક્કસ સ્થાનોની વિગતો આપી છે. આનો અર્થ એ થયો કે રશિયા ભલે સીધું મેદાનમાં ન હોય, પણ તે ઈરાનને ‘ડિજિટલ શસ્ત્રો’ આપીને અમેરિકા અને ઇઝરાયલ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે રશિયા કદાચ યુક્રેન યુદ્ધમાં અમેરિકાએ કરેલી મદદનો બદલો હવે મધ્ય પૂર્વમાં લઈ રહ્યું છે.
જ્યારે વોશિંગ્ટનમાં રશિયન દૂતાવાસને આ ગંભીર આરોપો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે રશિયાએ મૌન ધારણ કરી લીધું છે. મોસ્કોએ આડકતરી રીતે ઈરાનનો પક્ષ લેતા કહ્યું છે કે ઈરાન સાથે અન્યાય થયો છે. નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ જ ઈરાન પરના હુમલાની નિંદા કરી છે. આ ‘દુશ્મનનો દુશ્મન મિત્ર’ વાળી રણનીતિ હવે વૈશ્વિક શાંતિ માટે ખતરો બની રહી છે.
જે રીતે ચીને ભૂતકાળમાં પાકિસ્તાનને ભારતીય સૈન્યની માહિતી આપી હતી, તે જ રસ્તે હવે રશિયા ચાલી રહ્યું હોય તેવું દેખાય છે. જો રશિયાની આ મદદ ચાલુ રહી, તો ઈરાન પર વિજય મેળવવો અમેરિકા માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ શકે છે. પશ્ચિમ એશિયાની આ આગમાં રશિયાના ઘી હોમવાને કારણે હવે આ યુદ્ધ કોઈ ભયાનક વળાંક લેશે તે નક્કી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
