ઈરાન જંગ વચ્ચે મનમોહન સિંહનો વિડીયો વાયરલ: જ્યારે અમેરિકાની ધરતી પર ઉભા રહીને ભારતનો ‘સિંહ’ ગર્જ્યો હતો - "યુએસનો આ નિર્ણય એક મોટી ભૂલ છે!"
૨૦૦૫નો એ કિસ્સો જે આજે ફરી જીવંત થયો: ઈરાક પરના હુમલાને મનમોહન સિંહે વોશિંગ્ટનમાં જ ગણાવ્યું હતું ‘બ્લન્ડર’; શ્રીલંકા નજીક ઈરાની જહાજ ડૂબાડતા હિંદ મહાસાગરમાં વધતો તણાવ અને ૨૦૦૩ના ઈતિહાસનું પુનરાવર્તન

નવી દિલ્હી: અત્યારે આખી દુનિયાની નજર ઈરાન પર થઈ રહેલા અમેરિકા અને ઈઝરાયલના ભીષણ બોમ્બમારા પર ટકેલી છે. તેહરાન સામેના આ જંગે પશ્ચિમ એશિયામાં ભારે તારાજી સર્જી છે, ત્યારે સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનો એક જૂનો વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ૨૦ જુલાઈ, ૨૦૦૫નો છે, જ્યારે વોશિંગ્ટનના નેશનલ પ્રેસ ક્લબમાં મનમોહન સિંહે અત્યંત હિંમત બતાવીને અમેરિકાના ઈરાક પરના આક્રમણને ‘મોટી ભૂલ’ ગણાવી હતી.
આજે જ્યારે અમેરિકા પશ્ચિમ એશિયાના સંઘર્ષને હિંદ મહાસાગર સુધી ખેંચી લાવ્યું છે, ત્યારે આ વિડીયો ફરી પ્રાસંગિક બન્યો છે. તાજેતરમાં જ અમેરિકાએ શ્રીલંકા પાસે એક ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો મારીને ડૂબાડી દીધું છે. આ એ જ જહાજ હતું જે બંગાળની ખાડીમાં ભારતીય નૌકાદળ સાથેની કવાયત પૂરી કરીને પરત ફરી રહ્યું હતું. આ ઘટનાએ ભારતની ઉર્જા સુરક્ષા અને દરિયાઈ સરહદો પર ચિંતા વધારી દીધી છે.
વર્ષ ૨૦૦૩માં અમેરિકાએ સદ્દામ હુસૈન પાસે ‘સામૂહિક વિનાશના શસ્ત્રો’ (WMD) હોવાનો દાવો કરીને ઈરાક પર હુમલો કર્યો હતો. અંતે સદ્દામને ફાંસી અપાઈ, પણ ઈરાકમાંથી ક્યારેય એવા કોઈ શસ્ત્રો મળ્યા નહીં. પરિણામે ૪.૬ લાખથી વધુ લોકોના મોત થયા અને આખું ક્ષેત્ર હિંસામાં ધકેલાઈ ગયું. આજે પણ અમેરિકા એ જ તર્ક આપી રહ્યું છે કે તે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માંગે છે.
કોંગ્રેસના સમર્થકો અને રાજ્યસભાના સાંસદો આ વિડીયો શેર કરીને એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે ભારતની વિદેશ નીતિ હંમેશા કોઈની સામે નમ્યા વગર સત્ય કહેવાની રહી છે. મનમોહન સિંહ, જેમને ઘણીવાર ‘ઢીલા’ નેતા ગણવામાં આવતા હતા, તેમણે અમેરિકામાં જઈને જ અમેરિકાની ટીકા કરવાની જે હિંમત બતાવી હતી, તે આજે પણ એક મજબૂત વિદેશ નીતિનું ઉદાહરણ પૂરું પાડે છે. હોર્મુઝ સામુદ્રધુનીમાં અવરોધ અને તેલના વધતા ભાવ વચ્ચે ભારત માટે આ યુદ્ધ એક મોટો પડકાર બની રહ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
