<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

“મારો ટાઈમ પૂરો, હવે ગાડી નહીં ચાલે!”: બિહારમાં ટ્રેન ઉભી રાખીને લોકો પાયલટ ગાયબ, ૩ કલાક સુધી મુસાફરો ભગવાન ભરોસે

નિયમ પાળવામાં ડ્રાઈવરે હદ કરી: કિશનગંજના સ્ટેશન પર DMU ટ્રેન અધવચ્ચે છોડીને પાયલટ સામાન લઈ રવાના; ૯ કલાકની ડ્યુટી પૂરી થતા સ્ટેશન માસ્ટરનું પણ માન્યું નહીં

કિશનગંજ:બિહારના કિશનગંજ જિલ્લાના ઠાકુરગંજ રેલ્વે સ્ટેશન પર એક એવી ઘટના બની જેણે રેલ્વે તંત્ર અને મુસાફરો બંનેને ચક્કરમાં નાખી દીધા છે. માલદાથી સિલિગુડી જતી DMU ટ્રેન (નંબર 75719) જ્યારે બપોરે ૨:૫૨ વાગ્યે સ્ટેશન પર આવી, ત્યારે લોકો પાયલટે અચાનક એલાન કરી દીધું કે તેની ૯ કલાકની ડ્યુટી પૂરી થઈ ગઈ છે અને હવે તે એક ઇંચ પણ ટ્રેન આગળ નહીં ચલાવે. આટલું કહીને પાયલટ પોતાનો સામાન લઈ ટ્રેનમાંથી ઉતરીને રવાના થઈ ગયો હતો.
આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર સેંકડો મુસાફરો, જેમાં વેપારીઓ, મજૂરો અને નાના બાળકો સાથેના પરિવારો હતા, તેઓ કાળઝાળ ગરમીમાં પ્લેટફોર્મ પર ફસાઈ ગયા હતા. ટ્રેન પહેલાથી જ ૩ કલાક મોડી ચાલી રહી હતી, અને ડ્રાઈવરના આ અણધાર્યા નિર્ણયને કારણે વધુ ૩ કલાક સુધી એન્જિન ઠપ થઈ ગયું હતું.
જ્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧ પર ઉભી રહી, ત્યારે સ્ટેશન માસ્ટર અને ગાર્ડે લોકો પાયલટને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા. તેમણે વિનંતી કરી કે મુસાફરો હેરાન થઈ રહ્યા છે માટે ટ્રેનને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી દે, પરંતુ પાયલટ પોતાના નિર્ણય પર અડગ રહ્યો. તેણે રેલ્વેના નિયમોનો હવાલો આપતા કહ્યું કે, જો ટ્રેન સમયસર ચાલી હોત તો તે અત્યાર સુધીમાં પહોંચી ગઈ હોત, પણ હવે તેનો આરામનો સમય થઈ ગયો છે અને તે મુસાફરોની સુરક્ષા સાથે બાંધછોડ નહીં કરે.
 ઠાકુરગંજ સ્ટેશન પર બીજો ડ્રાઈવર ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ વધુ વણસી હતી. ૩ કલાક સુધી ટ્રેન ત્યાં જ પડી રહી, જેના કારણે અન્ય ટ્રેનોના વ્યવહાર પર પણ અસર પડી હતી. અંતે, જ્યારે સિલિગુડીથી બીજા લોકો પાયલટને સ્પેશિયલ બોલાવવામાં આવ્યા, ત્યારે ટ્રેન આગળ વધી શકી હતી. ઘણા મુસાફરો તો કંટાળીને પાછળથી આવતી બીજી ટ્રેનોમાં લટકીને રવાના થયા હતા. રેલ્વેના નિયમો મુજબ ડ્રાઈવરને આરામ આપવો જરૂરી છે, પણ આ રીતે અધવચ્ચે મુસાફરોને રઝળતા મૂકી દેવાની ઘટનાએ રેલ્વેના મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઉભા કર્યા છે

(9:19 PM IST)