<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

દુબઈ એરપોર્ટ પર મિસાઈલ ઇન્ટરસેપ્શન: વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટા છવાયા

ખાડી દેશો પર ઈરાનનો પલટવાર: દુબઈ એરપોર્ટ પાસે વિસ્ફોટથી વિમાની સેવાઓ પ્રભાવિત

દુબઈ: ૭ માર્ચ ૨૦૨૬ના રોજ દુબઈ એરપોર્ટ પર એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો અને ધુમાડો જોવા મળ્યો હતો. સત્તાવાર અહેવાલો મુજબ, ઇન્ટરસેપ્શન દરમિયાન પડેલા કાટમાળને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસરને પગલે યુ.એ.ઈ. ના એરપોર્ટ અને અન્ય મહત્વના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

 

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે આજે શનિવારે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો, જે બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઈરાન દ્વારા ખાડી દેશોમાં કરવામાં આવી રહેલા પલટવારના ભાગરૂપે આ હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

 

ડિજિટલ મીડિયા અને ન્યૂઝ એજન્સી એ.એફ.પી.ના પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ, શનિવારે સવારે દુબઈ એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ 'ફ્લાઈટરાડાર ૨૪' પર અનેક વિમાનો હવામાં ચક્કર લગાવતા જોવા મળ્યા હતા. જોકે, દુબઈ મીડિયા ઓફિસે એક્સ' (ટ્વિટર) પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ એક 'માઇનર ઇન્સિડન્ટ' (નાની ઘટના) હતી. એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા કોઈ શંકાસ્પદ વસ્તુને હવામાં જ તોડી પાડવામાં આવી હતી, જેનો કાટમાળ નીચે પડવાથી ધુમાડો જોવા મળ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં દુબઈના ટર્મિનલ ૩ને પણ અગાઉ નુકસાન પહોંચ્યું હતું. હાલમાં સુરક્ષાના કારણોસર દુબઈ અને આસપાસના વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે એરપોર્ટ પ્રશાસન પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં લાગ્યું છે અને મર્યાદિત ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(1:32 PM IST)