<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

રેપર બાદશાહે ઝુકાવ્યું માથું: "ટેટ્ટીરી" ગીતના અશ્લીલ શબ્દો બદલ હરિયાણાની માફી માંગી

સ્કૂલની બાળકીઓ અને મહિલાઓ વિશેના અભદ્ર વર્ણન બદલ FIR અને લુકઆઉટ નોટિસનો સામનો કરી રહેલા ગાયકે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરી પોતાને 'હરિયાણાનો દીકરો' ગણાવી ક્ષમાયાચના કરી

ચંદીગઢ:  બોલિવૂડ રેપર બાદશાહ તેના નવા ગીત "ટેટ્ટીરી" ને કારણે ગંભીર કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. ગીતમાં વપરાયેલા વાંધાજનક શબ્દો અને શાળાની છોકરીઓના ખોટા ચિત્રણ સામે હરિયાણા મહિલા આયોગે લાલ આંખ કરી હતી, જેના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ FIR દાખલ કરવામાં આવી હતી. વિવાદ એટલો વકર્યો કે પોલીસ દ્વારા બાદશાહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી અને તેમના દેશ છોડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ચોતરફથી ઘેરાયેલા બાદશાહે અંતે સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો પોસ્ટ કરીને જાહેર માફી માંગી છે. તેમણે સ્વીકાર્યું કે ગીતના અમુક અંશો અને દ્રશ્યોથી લોકોની લાગણી દુભાઈ છે. બાદશાહે સ્પષ્ટતા કરી કે તે પોતે હરિયાણાના છે અને તેમની ઓળખ, બોલી તેમજ સંસ્કૃતિ આ રાજ્ય સાથે જોડાયેલી છે. તેમણે દાવો કર્યો કે હિપ-હોપ શૈલીમાં હરીફોને નીચા બતાવવાની પરંપરા હોય છે, પરંતુ કોઈ મહિલા કે બાળકીનું અપમાન કરવાનો તેમનો ક્યારેય કોઈ ઈરાદો નહોતો.

માફી માંગતા બાદશાહે હરિયાણાની જનતાને અપીલ કરી છે કે તેઓ તેમને પોતાનો પુત્ર માનીને માફ કરી દે. જોકે, માફી છતાં કાનૂની ગાળિયો હજુ યથાવત છે, કારણ કે પોલીસે તેમને વહેલી તકે હાજર થવા આદેશ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ જાહેર માફી બાદ મહિલા આયોગ અને પોલીસ તેમની સામેની કાર્યવાહીમાં કોઈ રાહત આપે છે કે કેમ.

(6:04 PM IST)