<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ડોનાલ્ડ ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર ધડાકો: "ઈરાન હવે મધ્ય પૂર્વનો દાદા નથી, હારેલો ખેલાડી છે!"

ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની આક્રમક પોસ્ટથી ખળભળાટ: ઈરાને પડોશી દેશોની માફી માંગી શરણાગતિ સ્વીકારી હોવાનો દાવો : તો બીજી તરફ અમેરિકાના ભીષણ હુમલાની ચેતવણીએ વિશ્વમાં સર્જ્યો તણાવ

વોશિંગ્ટન  : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ઈરાન વિરુદ્ધ શબ્દયુદ્ધ છેડ્યું છે. ટ્રમ્પે અત્યંત આક્રમક લહેજામાં લખ્યું કે, સતત હારનો સામનો કરી રહેલા ઈરાને આખરે ઘૂંટણ ટેકી દીધા છે અને પોતાના પડોશી દેશોની માફી માંગી છે. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે, જે ઈરાન અત્યાર સુધી મધ્ય પૂર્વના "દાદા" બનવાની કોશિશ કરતું હતું, તે હવે "હારેલું" સાબિત થયું છે. ટ્રમ્પના મતે, અમેરિકા અને ઈઝરાયેલના સખત સૈન્ય પ્રહારોને કારણે ઈરાન હવે દાયકાઓ સુધી ફરી માથું ઊંચકવાની સ્થિતિમાં રહેશે નહીં.

બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના એક નિવેદને પ્રાદેશિક તણાવમાં નવો વળાંક આપ્યો છે. અહેવાલો મુજબ, ઈરાની નેતૃત્વએ પડોશી દેશોને ખાતરી આપી છે કે તેઓ હવે તેમના પર મિસાઈલ હુમલા નહીં કરે, જો તેમની ધરતીનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ ન કરવામાં આવે તો. આ વલણને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના કથિત મૃત્યુ અને ઈઝરાયેલી હુમલાઓ પછીની નબળાઈ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, ટ્રમ્પે આને માત્ર શાંતિની પહેલ નહીં પણ 'સંપૂર્ણ શરણાગતિ' ગણાવીને પોતાની જીતનો જશ્ન મનાવ્યો છે.

પરંતુ આ શાંતિના સંકેતો વચ્ચે ટ્રમ્પની નવી ચેતવણીએ દુનિયાને ચોંકાવી દીધી છે. તેમણે પોતાની પોસ્ટના અંતમાં લખ્યું કે, "આજે ઈરાન પર એક મોટો હુમલો થશે!" તેમણે ઈરાનના એવા વિસ્તારો અને વસ્તીને પણ લક્ષ્ય બનાવવાની ધમકી આપી છે જેમને અત્યાર સુધી બાકાત રાખવામાં આવ્યા હતા. ટ્રમ્પની આ "સંપૂર્ણ વિનાશ" ની ચેતવણીએ સંકેત આપ્યો છે કે મધ્ય પૂર્વનું યુદ્ધ અત્યારે અટકવાનું નથી, બલકે તે વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. હજારો વર્ષોના ઈતિહાસમાં ઈરાનની આવી પીછેહઠ બદલ ટ્રમ્પે પોતાની જાતને જ શાબાશી આપી છે.

(7:37 PM IST)