News of Sunday, 8th March 2026
અમદાવાદમાં વર્લ્ડ કપનો જંગ: પિચ રિપોર્ટમાં ભારતનું પલ્લું ભારે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો જંગ: પિચ રિપોર્ટથી લઈને આંકડાકીય સરખામણી સુધી

અમદાવાદ: સમગ્ર વિશ્વની નજર અત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટકેલી છે, જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026નો મહાસંગ્રામ ખેલાવાનો છે. આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ પહેલા પિચનો મિજાજ કેવો રહેશે અને ટોસ કેટલો નિર્ણાયક સાબિત થશે, તે અંગે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
પિચનો મિજાજ: બેટ્સમેનો કે બોલરો, કોને મળશે મદદ?
ફાઈનલ મેચ માટે અમદાવાદના સ્ટેડિયમની 'સેન્ટર પિચ' પસંદ કરવામાં આવી છે. આ પિચ લાલ અને કાળી માટીના મિશ્રણથી તૈયાર કરવામાં આવી છે, જે સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ ગણાય છે. શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ એકવાર બેટ્સમેન સેટ થઈ જાય પછી અહીં રનનો ખડકલો થઈ શકે છે. પિચ તદ્દન તાજી હોવાથી ફરી એકવાર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ટોસ ફેક્ટર અને ઝાકળની ભૂમિકા
આ મેદાન પર રમાયેલી છેલ્લી 6 મેચોમાંથી 4 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ વિજેતા બની છે. જોકે, સાંજની મેચ હોવાથી 'ઝાકળ' (Dew) એક મોટું ફેક્ટર બની શકે છે. આમ છતાં, આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં રન ચેઝ કરવા કરતા સ્કોર ડિફેન્ડ કરવો વધુ સરળ રહ્યો છે.
આંકડાના આયનામાં ભારતનું વર્ચસ્વ:
* કુલ મેચ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી 17 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમાઈ છે.
* પ્રથમ બેટિંગનો દબદબો: 17 માંથી 11 વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે.
* ભારતનો રેકોર્ડ: ટીમ ઈન્ડિયાએ અહીં 10 મેચ રમી છે, જેમાંથી 7 માં જીત મેળવી છે.
* સૌથી મોટો સ્કોર: આ મેદાન પર હાઈએસ્ટ સ્કોર 234 રનનો છે, જે ભારતે ન્યુઝીલેન્ડ સામે જ બનાવ્યો હતો.
નિષ્ણાંતોનું અનુમાન:
ક્રિકેટ દિગ્ગજ એબી ડી વિલિયર્સે પણ આગાહી કરી છે કે ભારતનું દિલ અને દિમાગ બંને કહે છે કે આ વખતે ટ્રોફી ભારત જ ઉઠાવશે. જોકે, ન્યુઝીલેન્ડની ટીમ પણ પલટવાર કરવામાં માહિર છે, તેથી મેચ અત્યંત રોમાંચક બની રહેશે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
