<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

તેલના ભંડાર પર હુમલાથી ઈરાનમાં હાહાકાર: પેટ્રોલ માટે પડાપડી, ક્વોટા ઘટાડીને અડધો કરાયો

વિશ્વનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ ઉત્પાદક રાષ્ટ્ર હવે પેટ્રોલની અછત સામે ઝઝૂમી રહ્યું છે: ઈઝરાયલી-અમેરિકન હુમલા બાદ તેહરાનમાં ઈંધણના સપ્લાય ચેઈન ખોરવાતા લોકોમાં ફેલાયો ફફડાટ

તેહરાન: તેહરાન સહિત સમગ્ર ઈરાનમાં હાલમાં યુદ્ધ જેવી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ઇઝરાયલી અને અમેરિકન દળોના સંયુક્ત હુમલા બાદ ઈરાનનું તેલ માળખું ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયું છે, જેના કારણે એક સમયે તેલના અખૂટ ભંડાર ધરાવતા આ દેશમાં હવે પેટ્રોલ માટે તરસ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. હુમલાઓને કારણે તેલ રિફાઇનરીઓ અને સંગ્રહ સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે ઇંધણના પુરવઠામાં મોટો અવરોધ આવ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પ્રશાસનને તાત્કાલિક અસરથી બળતણ વપરાશ પર કડક નિયંત્રણો લાદવાની ફરજ પડી છે.

વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા આ કટોકટીના પગલાં હેઠળ, તેહરાનમાં પેટ્રોલના ક્વોટામાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, નાગરિકો માટે વ્યક્તિગત બળતણ કાર્ડ પર મળતું પેટ્રોલ 30 લિટર પ્રતિ દિવસથી ઘટાડીને માત્ર 20 લિટર પ્રતિ દિવસ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત થતાં જ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને લોકોમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું છે. સરકાર ભલે આ પગલાંને કામચલાઉ ગણાવીને નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહી હોય, પરંતુ જમીની હકીકત એ છે કે ઈરાનની ઉર્જા સુરક્ષા હાલમાં અત્યંત જોખમમાં છે.

નિષ્ણાતોનું માનવું છે કે ઈરાનની અર્થવ્યવસ્થા માટે આ એક મોટો ફટકો છે. રિફાઇનરીઓ પરના હુમલાઓએ માત્ર પુરવઠા સાંકળને જ તોડી નથી નાખી, પરંતુ ભવિષ્યમાં પણ લાંબા ગાળાની અછત ઊભી થવાની ભીતિ જન્માવી છે. જોકે સરકારનો દાવો છે કે આગામી બે થી ત્રણ દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે, પરંતુ યુદ્ધના બદલાતા સમીકરણો જોતા આ આશ્વાસન કેટલું સાચું પડશે તે કહેવું મુશ્કેલ છે. તેલના ક્ષેત્રમાં ઈરાનનું વર્ચસ્વ આ હુમલાઓને કારણે ડગમગી ગયું છે, જેની અસર માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક ક્રૂડ માર્કેટ પર પણ ચોક્કસપણે પડશે.

(3:22 PM IST)