<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

તેલ પછી હવે પાણી માટે હાહાકાર! મધ્ય પૂર્વમાં 'વોટર વોર'ની દહેશત, તરસ્યા મરશે ખાડી દેશો?

ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર ઈરાની હુમલાના ખતરાથી કુવૈત: ઓમાન અને સાઉદી અરેબિયાની ચિંતા વધી: જો સપ્લાય ખોરવાયો તો રિયાધ જેવી રાજધાનીઓને ખાલી કરાવવાની આવી શકે છે નોબત

દુબઈ:  મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર જમીન કે તેલ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે અસ્તિત્વના સૌથી મોટા સ્ત્રોત એટલે કે 'પાણી' પર આવી ગયું છે. સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા ખાડી દેશો પીવાના પાણી માટે સંપૂર્ણપણે સમુદ્રના પાણીને મીઠું બનાવતા 'ડિસેલિનેશન પ્લાન્ટ્સ' પર નિર્ભર છે. તાજેતરમાં બહેરીને દાવો કર્યો છે કે ઈરાને તેના એક મહત્વપૂર્ણ વોટર પ્લાન્ટને નિશાન બનાવ્યો છે. આ હુમલાએ સમગ્ર પ્રદેશમાં ફફડાટ ફેલાવી દીધો છે, કારણ કે જો આ પ્લાન્ટ્સ નષ્ટ થાય, તો કુવૈતમાં 90% અને ઓમાનમાં 86% પાણીનો પુરવઠો ક્ષણવારમાં ઠપ્પ થઈ શકે છે.

યુદ્ધની આ ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુબઈના પ્રખ્યાત જેબેલ અલી બંદર પર થયેલો હુમલો વિશ્વના સૌથી મોટા ડિસેલિનેશન પ્લાન્ટથી માત્ર 12 માઈલ દૂર હતો. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ વોટર પ્લાન્ટ્સ પાવર ગ્રીડ સાથે જોડાયેલા હોવાથી, એક મિસાઈલ હુમલો માત્ર અંધારપટ જ નહીં પરંતુ જળ પ્રલય જેવી કટોકટી પણ લાવી શકે છે. જો સાઉદી અરેબિયાની મુખ્ય પાઈપલાઈનને નુકસાન પહોંચે, તો રાજધાની રિયાધ પાસે માત્ર એક અઠવાડિયાનું જ પાણી બચશે, ત્યારબાદ આખા શહેરને ખાલી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં.

રસપ્રદ વાત એ છે કે, ઈરાન પોતે આ પ્લાન્ટ્સ પર નિર્ભર નથી કારણ કે તેની પાસે નદીઓનું નેટવર્ક છે, પરંતુ કુદરત ત્યાં પણ રમત રમી રહી છે. લાંબા દુષ્કાળને કારણે તેહરાનના જળાશયો સુકાઈ રહ્યા છે અને ખુદ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ચેતવણી આપી છે કે તેહરાનને પણ ખાલી કરાવવાની સ્થિતિ આવી શકે છે. આમ, એક તરફ ઈરાની હુમલાઓ ખાડી દેશોને તરસ્યા રાખવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ કુદરતી સંકટ ઈરાનને ઘેરી રહ્યું છે. આ સ્થિતિ સૂચવે છે કે આગામી સમયમાં મધ્ય પૂર્વમાં પાણી એ હથિયાર અને યુદ્ધનું મુખ્ય કારણ બની જશે.

(6:26 PM IST)