<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ઈરાન તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર લેબનોનમાં? ઈઝરાયલના મહારાક્ષસી સૈન્ય અભિયાનના ફોટા થયા વાયરલ

અલ જઝીરાના ખુલાસાથી વિશ્વ સ્તબ્ધ: સરહદ પર ટેન્કો અને સૈનિકોનો ખડકલો : હિઝબુલ્લાહને જડમૂળથી ઉખેડવા માટે ઈઝરાયલે 'ગાઝા પ્લેબુક' જેવું ખતરનાક આયોજન શરૂ કર્યું

તેલ અવીવ:  મધ્ય પૂર્વમાં સળગી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈરાન સાથેના સંઘર્ષની વચ્ચે ઈઝરાયલે હવે લેબનોન સરહદે અત્યાર સુધીનું સૌથી મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. 'અલ જઝીરા' દ્વારા જાહેર કરવામાં આવેલા સેટેલાઇટ ફોટા અને લશ્કરી રચનાના દ્રશ્યોમાં હજારો ટેન્કો અને સશસ્ત્ર વાહનો ઉત્તરી સરહદ તરફ કૂચ કરતા જોવા મળે છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની હત્યાનો બદલો લેવા માટે હિઝબુલ્લાહે જ્યારે ઈઝરાયલ પર રોકેટ મારો તેજ કર્યો છે, ત્યારે ઈઝરાયલે લેબનોનની અંદર ઘૂસીને બફર ઝોન બનાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે સેનાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે લેબનોનના જે વિસ્તારોમાંથી ઈઝરાયલી વસાહતો પર હુમલા થાય છે, તે વિસ્તારો પર હવે સીધો કબજો જમાવી લેવામાં આવે. સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદાવ શોશાનીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી માત્ર રક્ષણાત્મક નથી પરંતુ ભવિષ્યના જોખમોને કાયમી ધોરણે ખતમ કરવા માટેની છે. દક્ષિણ લેબનોનમાં લિટાની નદી સુધીના વિસ્તારને ખાલી કરાવવા માટે ઈઝરાયલે ફરમાન જારી કર્યું છે, જેના કારણે લાખો લેબનીઝ નાગરિકોને બેઘર થવાની નોબત આવી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે લેબનીઝ સેનાએ પણ પોતાના જવાનોની સુરક્ષા માટે સરહદી ચોકીઓ ખાલી કરી દીધી છે.

નિષ્ણાતો આ આક્રમણને "ગાઝા પ્લેબુક" ના પુનરાવર્તન તરીકે જોઈ રહ્યા છે, જ્યાં મોટા પાયે હવાઈ હુમલા બાદ જમીની સેના આગળ વધે છે. ઇઝરાયલે અત્યાર સુધીમાં દક્ષિણ લેબનોનના સાતથી વધુ સ્થળોએ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલ છે. આ ઓપરેશન ઈરાન સામેના યુદ્ધ કરતા પણ વધુ ભયાનક હોઈ શકે છે, કારણ કે હિઝબુલ્લાહ પાસે રહેલા આધુનિક ડ્રોન અને મિસાઈલ ટેકનોલોજી ઈઝરાયલના શહેરો માટે સીધો ખતરો છે. જો આ સંઘર્ષ વધુ લંબાશે, તો સમગ્ર આરબ જગત આ યુદ્ધની લપેટમાં આવી શકે છે, જેની અસર માત્ર મધ્ય પૂર્વ નહીં પણ સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે.

(6:27 PM IST)