<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

શેરબજારમાં લોહીની હોળી: મધ્ય પૂર્વના જંગ વચ્ચે FPIએ ૪ દિવસમાં ₹૨૧,૦૦૦ કરોડ સ્વાહા કર્યા

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને કાચા તેલના ભડકે બળતા ભાવથી વિદેશી રોકાણકારોમાં ફફડાટ : રૂપિયો ૯૨ને પાર અને ક્રૂડ $૯૦ ઉપર પહોંચતા ભારતીય બજારમાંથી મૂડીનો મહા-ઉપાડ


 


મુંબઈ:  પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિએ ભારતીય શેરબજારની કમર તોડી નાખી છે. છેલ્લા માત્ર ચાર ટ્રેડિંગ સત્રોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ  આશરે ₹૨૧,૦૦૦ કરોડ ($૨.૩ બિલિયન) પાછા ખેંચી લેતા દલાલ સ્ટ્રીટમાં સન્નાટો છવાઈ ગયો છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાની નેતા ખામેનીની હત્યા બાદ શરૂ થયેલા સંઘર્ષે વૈશ્વિક રોકાણકારોને જોખમ લેતા અટકાવ્યા છે. ફેબ્રુઆરીમાં થયેલા રેકોર્ડ રોકાણ બાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં જ આટલો મોટો આઉટફ્લો ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

બજારના નિષ્ણાતોના મતે, હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ચેઈન ખોરવાવાની દહેશતથી બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $૯૦ને પાર કરી ગયું છે. ભારત તેલની આયાત પર નિર્ભર હોવાથી ક્રૂડના વધતા ભાવ ફુગાવા અને ચાલુ ખાતાની ખાધમાં વધારો કરે છે, જેના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજાર છોડીને યુએસ ટ્રેઝરી બોન્ડ્સ જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત, ડોલર સામે રૂપિયો ૯૨ની ઐતિહાસિક નીચી સપાટીએ ગબડતા રોકાણકારોના માર્જિન પર ભારે દબાણ આવ્યું છે, જેણે વેચવાલીની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

આગામી સમય માટે બજારનો આઉટલુક અત્યંત અસ્થિર જણાતો હોવાથી, જ્યાં સુધી મધ્ય પૂર્વમાં શાંતિની કોઈ આશા દેખાય નહીં ત્યાં સુધી FPI રોકાણકારો પરત ફરે તેવી શક્યતા ઓછી છે. જોકે, આ સંકટ વચ્ચે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) અને મ્યુચ્યુઅલ ફંડની SIP દ્વારા મળતો ટેકો બજારને સાવ તૂટી પડતા બચાવી રહ્યો છે. જો ક્રૂડના ભાવ $૯૦થી નીચે નહીં આવે, તો આર્થિક ઉથલપાથલ હજુ વધુ ઘેરી બની શકે છે.

(7:33 PM IST)