<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

તેહરાનમાં તાંડવ: ઈઝરાયલના પ્રચંડ હુમલાથી ઈરાનની રાજધાનીમાં 'આગની નદીઓ' વહી : આકાશમાંથી વરસ્યું તેલ

ઈતિહાસના સૌથી ભયાનક બોમ્બમારામાં તેલ ડેપો નષ્ટ થતા ચારેબાજુ કાળા ધુમાડાના ગોટા છવાયા : ઈઝરાયલે ખમેનીના ઉત્તરાધિકારી પસંદ કરનારાઓને સીધી ચેતવણી આપીને મિસાઈલ યુદ્ધને નવી વિનાશક સપાટી પર પહોંચાડ્યું

તેહરાન:  ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનની આર્થિક કમર તોડવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કર્યો છે. તેહરાનના વ્યૂહાત્મક ઓઈલ ટર્મિનલ્સ પર થયેલા સચોટ બોમ્બમારાથી આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. તેલના ડેપો ફાટવાને કારણે શેરીઓમાં બળતું ઈંધણ નદીની જેમ વહેવા લાગ્યું છે, જેને સ્થાનિકો 'આગનો સમુદ્ર' ગણાવી રહ્યા છે. આ ભયાનક દુર્ઘટનામાં બે ટેન્કર ડ્રાઈવર સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટો એટલા પ્રચંડ હતા કે પાડોશી શહેર કારાજ સુધી તેની જ્વાળાઓ દેખાઈ હતી અને ગાઢ કાળા ધુમાડાને કારણે ધોળે દિવસે રાત જેવું અંધારું છવાઈ ગયું હતું.

યુદ્ધની સ્થિતિ હવે અત્યંત ગંભીર અને વિચિત્ર બની છે કારણ કે આકાશમાંથી કાળો તેલયુક્ત વરસાદ વરસી રહ્યો છે, જેનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સીધા જંગમાં ઈઝરાયલ અત્યાર સુધીમાં ૩,૪૦૦થી વધુ હવાઈ હુમલા કરી ચૂક્યું છે. ઈરાની આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ આ સંઘર્ષમાં ૧,૨૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦,૦૦૦થી વધુ ઘાયલ થયા છે. તેહરાનમાં ઈંધણનો પુરવઠો અસ્થાયી રૂપે ખોરવાઈ જતા આખું શહેર ઠપ્પ થઈ ગયું છે અને લોકો સુરક્ષિત સ્થળોએ આશરો લઈ રહ્યા છે.

આ હુમલા પાછળ ઈઝરાયલે સ્પષ્ટ રાજકીય સંદેશ આપ્યો છે. ફારસી ભાષામાં જારી કરાયેલી સોશિયલ મીડિયા ચેતવણીમાં ઈઝરાયલી સૈન્યએ સીધું નિશાન ઈરાનની 'નિષ્ણાતોની સભા' પર સાધ્યું છે, જે દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના ઉત્તરાધિકારીની પસંદગી કરી રહી છે. સામે પક્ષે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ હથિયાર હેઠા ન મૂકવાની કસમ ખાધી છે અને દાવો કર્યો છે કે તેઓ આગામી ૬ મહિના સુધી કોઈપણ વિક્ષેપ વિના લાંબા અંતરની આધુનિક મિસાઈલો વડે યુદ્ધ ચાલુ રાખવા સક્ષમ છે.

(10:33 PM IST)