<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

કેરળમાં રૂ.૧માં બૂટ વેચવાની ઓફરથી અફરાતફરી મચી

દુકાન પર ઉમટેલી ભારે ભીડને વેરવિખેર કરવા પોલીસનો લાઠીચાર્જ

કોઝીકોડ,તા.૯: કેરળના કોઝીકોડ જિલ્‍લામાં એક અજીબોગરીબ કિસ્‍સો સામે આવ્‍યો છે. કોઝીકોડમાં એક દુકાનદારે મોંઘા બૂટ માત્ર એક રૂપિયામાં વેચવાની ઓફર આપી હતી. આ પ્રચાર અભિયાનને કારણે રવિવારે સવારે દુકાન પર ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ દરમિયાન ભીડ એટલી હદે બેકાબૂ બની ગઈ હતી કે કેરળ પોલીસે તેને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્‍યો હતો.

પોલીસે જણાવ્‍યું કે સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત વાયરલ થઈ ગઈ હતી. જાહેરાતોથી આકર્ષાઈને અસંખ્‍ય ગ્રાહકો વહેલી સવારથી જ વિસ્‍તારમાં ઉમટી પડ્‍યા હતા. આના કારણે નાસભાગ જેવી સ્‍થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, દુકાનદારે પહેલા ૧૦૦ ગ્રાહકોને માત્ર એક રૂપિયામાં બૂટ આપવાની જાહેરાત કરી હતી. આથી મોડી રાત્રે બે વાગ્‍યાથી જ લોકોની ભીડ જમા થવા લાગી હતી.

પોલીસે વધુમાં જણાવ્‍યું કે ભીડ એટલી વધારે હતી કે દુકાનની ક્ષમતા કરતા વધુ ગ્રાહકો આવી ગયા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા અને વાયનાડ જેવા અન્‍ય જિલ્‍લાઓમાંથી પણ લોકો આવ્‍યા હતા. વાયનાડથી આવેલા એક છોકરાએ જણાવ્‍યું કે તે મોડી રાત્રે અઢી વાગ્‍યે દુકાને પહોંચ્‍યો હતો, પરંતુ ત્‍યાં પહેલાથી જ ભારે ભીડ હાજર હતી.(૪૦.૧૯)

 

રાજસ્‍થાનમાં કૌટુંબિક ઝઘડામાં

જમાઈએ સાસુનું નાક કાપ્‍યું

રાજસ્‍થાનના જાલોર જિલ્‍લામાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા કૌટુંબિક વિવાદને કારણે એક વ્‍યક્‍તિએ કથિત રીતે તેની સાસુનું નાક કાતરથી કાપી નાખ્‍યું હતું અને કપાયેલો ભાગ લઈને ત્‍યાંથી ફરાર થઈ ગયો હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આ ઘટના શનિવારે સાંજે ૫ વાગ્‍યાની આસપાસ સરવાના પોલીસ સ્‍ટેશનની હદમાં બની હતી. પીડિતાના પતિ બાબુલાલ ખીચડે ફરિયાદ નોંધાવી છે કે, તેની પત્‍ની આરોપી જમાઈ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવવા માટે પોલીસ સ્‍ટેશન જઈ રહી હતી, ત્‍યારે રસ્‍તામાં જમાઈએ તેના પર હુમલો કર્યો હતો. પોલીસે વધુ માહિતી આપી હતી કે ભીમગુડા ગામના રહેવાસી સોહનલાલના લગ્ન આશરે છ વર્ષ પહેલા ડુંગરી ગામના બાબુલાલ ખીચડની પુત્રી સરિતા સાથે પરંપરાગત 'સાટા' પ્રથા હેઠળ થયા હતા. જોકે, છેલ્‍લા એક વર્ષથી દંપતી વચ્‍ચે વિવાદ ચાલી રહ્યો હતો અને સરિતા તેના પતિથી અલગ રહેતી હતી. આ વિવાદને ઉકેલવા માટે સમાજના પંચોને પણ બોલાવવામાં આવ્‍યા હતા, પરંતુ કોઈ ઉકેલ આવ્‍યો નહોતો.

હાલમાં ગુજરાતના મહેસાણાની એક હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા ૫૨ વર્ષીય પીડિતા કૈલી દેવીએ જણાવ્‍યું હતું કે પરિવારમાં છેલ્‍લા ઘણા દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો. શનિવારે બપોરે ૨ વાગ્‍યાની આસપાસ ઘરે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનાથી કંટાળીને તેમણે સરવાના પોલીસ સ્‍ટેશન જઈને જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે દરમિયાન જ આ હુમલો થયો હતો.

(9:59 AM IST)