<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

નિર્મલા સીતારમણને દેશની સૌથી શક્‍તિશાળી મહિલા

ભારતની સૌથી શક્‍તિશાળી મહિલાઓની યાદી જાહેર : બીજા સ્‍થાને રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ નીતા અંબાણીઃ સુધા મૂર્તિ, આ યાદીમાં છઠ્ઠા ક્રમે

નવી દિલ્‍હીઃ તા.૯: મહિલાઓ દરેક ક્ષેત્રમાં કાઠું કાઢી રહી છે. મહિલાઓ અંતરિક્ષમાં પણ પહોંચી ગઈ છે. ભારતમાં પણ આજે ઘણી મહિલાઓ બિઝનેસ, ફાઇનાન્‍સ, ટેકનોલોજી, હેલ્‍થકેર અને મનોરંજન જેવા ક્ષેત્રોમાં મહત્‍વપૂર્ણ હોદ્દા પર છે. તેમના નેતૃત્‍વ અને નિર્ણયોનો પ્રભાવ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પડી રહ્યો છે.

આ સંદર્ભમાં, ફોર્ચ્‍યુન ઇન્‍ડિયાએ વર્ષ ૨૦૨૫ માટે ભારતની સૌથી શક્‍તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં રાજકીય, કોર્પોરેટ, મીડિયા અને સામાજિક ક્ષેત્રની ઘણી પ્રભાવશાળી મહિલાઓનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે આ યાદીમાં કોણ ક્‍યાં ક્રમે છે.

આ યાદીમાં નિર્મલા સીતારમણને દેશની સૌથી શક્‍તિશાળી મહિલા તરીકે પસંદ કરવામાં આવ્‍યા છે. તેઓ ભારતના નાણાપ્રધાન છે અને આર્થિક નીતિઓથી લઈને બજેટ સુધીના મોટા નિર્ણયોમાં મુખ્‍ય ભૂમિકા ભજવે છે. બીજા સ્‍થાને રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ નીતા અંબાણી છે, જેઓ શિક્ષણ, આરોગ્‍ય અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સુધા મૂર્તિ, આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. સમાજ સેવા અને શિક્ષણમાં તેમના યોગદાનને વ્‍યાપક પ્રશંસા મળી છે.

ભારતને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ઓળખ અપાવનાર ગીતા ગોપીનાથને આ યાદીમાં ૯મું સ્‍થાન આપવામાં આવ્‍યું છે. તે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)નાં ડેપ્‍યુટી મેનેજિગ ડિરેક્‍ટર છે અને વૈશ્વિક આર્થિક નીતિમાં મુખ્‍ય ભૂમિકા ભજવે છે. રિલાયન્‍સ રિટેલના વિસ્‍તરણ અને તેના ડિજિટલ વ્‍યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મુખ્‍ય ભૂમિકા ભજવતા, ઈશા અંબાણી પણ ૮મા ક્રમે છે.

ટેકનોલોજી અને કોર્પોરેટ જગતમાં પણ ભારતીય મહિલાઓનું વર્ચસ્‍વ સતત વધી રહ્યું છે. રોશની નાડર મલ્‍હોત્રા આ યાદીમાં ચોથા સ્‍થાને છે. તે ભારતની અગ્રણી IT કંપની, HCLTechના ચેરપર્સન છે અને ટેક ક્ષેત્રમાં પ્રભાવશાળી નેતૃત્‍વના હોદ્દા ધરાવે છે. વૈશ્વિક લક્‍ઝરી બ્રાન્‍ડ ચેનલનાં CEO લીના નાયર પણ ૧૬મા ક્રમે છે.

આ યાદીમાં ફિલ્‍મ અને મનોરંજન જગતની ઘણી જાણીતી હસ્‍તીઓનો પણ સમાવેશ થાય છે. પ્રિયંકા ચોપરા જોનાસ, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીઓએ પણ આ યાદીમાં સ્‍થાન મેળવ્‍યું છે.

આજે વૈશ્વિક મહિલા દિવસ નિમિત્તે ચાલો ભારતની સૌથી શક્‍તિશાળી મહિલાઓની યાદી પર એક નજર કરીએઃ

નિર્મલા સીતારમણ - ભારત સરકાર, નીતા અંબાણી - રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, રેડ્ડી સિસ્‍ટર્સ - એપોલો હોસ્‍પિટલ્‍સ એન્‍ટરપ્રાઇઝ, રોશની નાડર મલ્‍હોત્રા - HCLTech, બેલા બજારિયા - નેટફિલક્‍સ, સુધા મૂર્તિ - રાજ્‍યસભા, સાવિત્રી જિદાલ - હિસાર (હરિયાણા), ઈશા અંબાણી - રિલાયન્‍સ રિટેલ વેન્‍ચર્સ, ગીતા ગોપીનાથ - IMF. 

(10:01 AM IST)