News of Monday, 9th March 2026
બાંગ્લાદેશના કાલી મંદિરમાં બ્લાસ્ટ! પૂજારી કેશવ ચક્રવર્તિ ઘાયલ
આરતી દરમિયાન માસ્ક પહેરીને ઘૂસ્યા હુમલાખોર, બેગ મૂકી નાસી છૂટ્યા

ઢાકા,તા.૯: બાંગ્લાદેશમાં શેખ હસીના પછી બે સરકારો બદલાઈ ગઈ છે, છતાં હિદુઓ પર ટાર્ગેટેડ હુમલાઓ અટકવાનું નામ લેતા નથી. તારીક રહેમાનના શાસનમાં તો મંદિરો પર સીધા હુમલા થઈ રહ્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશના કોમિલા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે જ્યારે ભક્તો કાલી મંદિરમાં શનિ પૂજા કરી રહ્યા હતા, ત્યારે માસ્ક પહેરેલા હુમલાખોરોએ શાંતિ ભંગ કરી. આ ઘટના બતાવે છે કે ત્યાં અલ્પસંખ્યકો અને ધાર્મિક સ્થળોને કેવી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
શનિવારે સાંજે લગભગ ૬:૨૮ વાગ્યે, બાગનબાડી ઠાકુરપાડા વિસ્તારમાં આવેલા કાલીગાછ તલા કાલી મંદિરમાં શનિ પૂજા ચાલી રહી હતી. એ સમયે એક માસ્ક પહેરેલી વ્યક્તિ મંદિરના પ્રાંગણમાં પ્રવેશી હતી. CCTV ફૂટેજ મુજબ, આ વ્યક્તિના હાથમાં એક બેગ હતી. તેણે બેગ મંદિરની અંદર મૂકી તરત જ ત્યાંથી ભાગી ગયો, અને થોડા જ પળોમાં જોરદાર બ્લાસ્ટ થયો.
આ બ્લાસ્ટમાં મંદિરના ૪૮ વર્ષના પૂજારી કેશવ ચક્રવર્તિ ઘાયલ થયા છે. ઉપરાંત, હુમલાખોરોએ ભાગતી વખતે નજીકના બૌદ્ધ મંદિર અને એક ખાનગી ઓફિસની સામે પણ બે ક્રૂડ બોમ્બ ફેંક્યા હતા, જેમાં અબ્દુલ બારેક અને જિહાદ નામના બે અન્ય વ્યક્તિઓ ઘાયલ થયા છે.
પોલીસને મળેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરે ચહેરો ઢાંક્યો હતો અને તેની સાથે કેટલાક અન્ય શંકાસ્પદ લોકો પણ આસપાસ ઊભા હતા. બ્લાસ્ટ સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. અચાનક થયેલા વિસ્ફોટથી ત્યાં ભાગદોડ મચી ગઈ અને લોકો પોતાનું જીવ બચાવવા દોડવા લાગ્યા.
કોઠવાલી મોડલ સ્ટેશનના ઇન્ચાર્જ (OC) મો.તૌહિદુલ અનવરે પુષ્ટિ કરી છે કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. હાલ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી સ્થિતિ વધુ બગડે નહીં. મંદિર સમિતિના અધ્યક્ષ સજલકુમાર ચંદાએ જણાવ્યું કે બ્લાસ્ટ સાંજે લગભગ ૬:૩૦ વાગ્યે થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
