News of Monday, 9th March 2026
૪ લાખનો ખર્ચ કરીને મારુતિ ૮૦૦ને લમ્બોર્ગિની જેવી બનાવી દીધી
જૂની મારુતિ ૮૦૦ કારને મોડિફાય કરીને એની એવી કાયાપલટ કરી નાખી છે કે જોનારાની આંખો પહોળી થઈ જાય

રાંચી,તા.૯: દેશી જુગાડમાં માહેર ભારતીયો કોઈ પણ ભંગાર જેવી ચીજોમાંથી પણ અદ્વુત ચીજો તૈયાર કરવા સક્ષમ છે. એનું ઉદાહરણ તાજેતરમાં ઝારખંડના મેકેનિકે રજૂ કર્યું છે. મોહમ્મદ આરિફ નામના મેકેનિકે તેની પાસેની જૂની મારુતિ ૮૦૦ કારને મોડિફાય કરીને એની એવી કાયાપલટ કરી નાખી છે કે જોનારાની આંખો પહોળી થઈ જાય. આરિફે લગભગ ૪ લાખ રૂપિયાનો ખર્ચ કરીને મારુતિ ૮૦૦ને લમ્બોર્ગિની જેવી બનાવી દીધી છે.
રિયલ લમ્બોર્ગિનીની સરખામણીમાં ચાર લાખનો ખર્ચ તો કંઈ જ ન કહેવાય. આરિફે કોઈ જ રેડીમેડ બોડી કિટનો ઉપયોગ નથી કર્યો. તેણે ખુદ પેનલ કાપીને વેલ્ડિંગ કરીને લમ્બોર્ગિની જેવો શેપ આપીને કારને મોડિફાય કરી છે. જૂની બોડી કાઢીને એની પર લાંબી અને પહોળી બોડી ડિઝાઇન કરી છે અને વ્હીલ પાસેનો જે વળાંક હોય છે એ પણ પહોળો કર્યો છે જેથી એનો લુક સ્પોર્ટ્સ કાર જેવો આકર્ષક લાગે. ફાઇબરગ્લાસ બોડી પાર્ટ્સ, ડીપ ફ્રન્ટ સ્પ્લિન્ટર, અલોય વ્હીલ્સ, મોટી રિયર વિન્ગ ચેન્જ કરીને એની પર ચમકદાર નિયોન ગ્રીન રંગ કરી દીધો છે જે ઘણે અંશે સુપર સ્પોર્ટ્સ કાર જેવી દેખાય છે.
માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ એને માત્ર ટૂ-સીટર બનાવી દેવાઈ છે અને ઉપર સનરૂફ પણ લગાવ્યું છે. જોકે બહારથી ભલે એ સુપરકાર દેખાય, એનું મૂળ એન્જિન તો મારુતિ ૮૦૦નું જ છે એટલે એનો પર્ફોર્મન્સ લમ્બોર્ગિની જેવો નથી.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
