News of Monday, 9th March 2026
દેશની દિગ્ગજ રેસ્ટોરાં ચેઈન્સ પર ITના દરોડાઃ ૭૦,૦૦૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
વેચાણ છુપાવવા માટે હાઈ-ટેક સોફ્ટવેરનો ખેલ : હૈદરાબાદની પ્રખ્યાત બિરયાની ચેઈનથી શરૂ થયેલો તપાસનો રેલો હવે આખા ભારતમાં ફેલાયો

નવી દિલ્હી, તા.૯: ભારતના ફૂડ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે, જેમાં દેશની પ્રતિષ્ઠિત અને અબજોનું ટર્નઓવર ધરાવતી રેસ્ટોરાં ચેઈન્સ હવે ઈન્કમ ટેક્સ વિભાગના રડારમાં આવી ગઈ છે. હૈદરાબાદની એક અત્યંત લોકપ્રિય બિરયાની ચેઈન દ્વારા આચરવામાં આવેલી રૂ.૭૦,૦૦૦ કરોડની મસમોટી કરચોરીની શંકાએ સમગ્ર તપાસ તંત્રને હચમચાવી દીધું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ રેસ્ટોરાં સંચાલકો સામાન્ય ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલતા હતા પરંતુ સરકારને તે રકમ જમા કરાવવાને બદલે હાઈ-ટેક સોફ્ટવેરની મદદથી બિલિંગમાં જ હેરાફેરી કરતા હતા. આ ડિજિટલ છેતરપિંડી એટલી ચોકસાઈથી કરવામાં આવતી હતી કે બહારથી જોતા બધું સામાન્ય લાગે, પરંતુ અંદરખાને કરોડો રૂપિયાની આવક ચોપડે નોંધાયા વગર સગેવગે કરી દેવામાં આવતી હતી.
આવકવેરા વિભાગના અધિકારીઓએ દેશભરમાં એકસાથે સેંકડો સ્થળોએ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન શરૂ કર્યું છે, કારણ કે તપાસકર્તાઓને શંકા છે કે દેશની અન્ય ટોચની રેસ્ટોરાં ચેઈન્સ પણ આ જ મેનિપ્યુલેટેડ (ફેરફાર કરેલા) બિલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે. આ સોફ્ટવેર ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું કે તે વેચાણના વાસ્તવિક આંકડાઓને સિસ્ટમમાંથી ગાયબ કરી દેતું હતું, જેથી ટેક્સની ગણતરી વખતે આવક ઓછી દેખાય. હાલમાં આઈટી વિભાગની ટેકનિકલ ટીમો POS સિસ્ટમ્સ, ક્લાઉડ સર્વર્સ અને તમામ નાણાકીય વ્યવહારોના ડેટા ડમ્પ મેળવી રહી છે. આ દરોડા દરમિયાન માત્ર દસ્તાવેજો જ નહીં, પરંતુ મોટા પાયે વાંધાજનક ડિજિટલ પુરાવા, લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે આ રેકેટના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
આ કાર્યવાહીથી રેસ્ટોરાં ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે આ કેસ માત્ર ટેક્સ ચોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય ફૂડ સેક્ટરમાં ચાલતા વ્યવસ્થિત નાણાકીય કૌભાંડ તરફ ઈશારો કરે છે. અધિકારીઓના મતે, આ તપાસ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનશે અને તેમાં સંકળાયેલા સોફ્ટવેર ડેવલપર્સની પણ પૂછપરછ કરવામાં આવશે જેમણે કરચોરી માટે આ ચોર દરવાજો બનાવી આપ્યો હતો. જો રૂ.૭૦,૦૦૦ કરોડની આ કરચોરી સાબિત થશે, તો તે ભારતના ઈતિહાસમાં સર્વિસ સેક્ટરની સૌથી મોટી નાણાકીય ગેરરીતિ ગણાશે. એકતરફ મુંબઈની નાયર હોસ્પિટલમાં બોમ્બની ધમકી જેવી ઘટનાઓથી તંત્ર વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ આર્થિક મોરચે આટલા મોટા કૌભાંડના પર્દાફાશથી સરકારી તિજોરીને થતા નુકસાનની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
