<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ટ્રમ્‍પ વધુ એક યુદ્ધના મુડમાં? અમેરિકન સૈનિકોને કોરિયા મોકલ્‍યાઃ નોર્થ કોરિયાએ વાંધો ઉઠાવ્‍યો

અમેરિકા મિડલ ઈસ્‍ટમાં ઈરાન સામે યુદ્ધમાં ફસાયેલું છે અને સોમવારથી દક્ષિણ કોરિયા સાથે તેણે મોટા સૈન્‍ય અભ્‍યાસ ‘ફ્રીડમ શીલ્‍ડ'ની શરૂઆત કરી દીધી છે, જેમાં હજારો સૈનિકો સામેલ થઈ રહ્યા છે. આ યુદ્ધાભ્‍યાસ વચ્‍ચે હથિયારોના ટ્રાન્‍સફર અંગે પણ ચર્ચા ચાલી રહી છે

વોશિંગ્‍ટન,તા.૯: અમેરિકા-ઈઝરાયેલ બંને દેશો સંયુક્‍ત રીતે ઈરાન સામે મિસાઈલો ફેંકી રહ્યા છે. ઈરાન પણ પાછી પાની નથી કરી રહ્યું. આ વચ્‍ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, યુનાઇટેડ સ્‍ટેટ્‍સે સોમવારથી દક્ષિણ કોરિયા સાથે મોટા પાયે સૈન્‍ય અભ્‍યાસ 'ફ્રીડમ શીલ્‍ડ' શરૂ કર્યો છે. જેના કારણે કોરિયન પ્રાયદ્વીપ પર અમેરિકા અને નોર્થ કોરિયા વચ્‍ચે તણાવ વધી શકે છે. કારણ કે જેમાં હજારો સૈનિકો સામેલ થયા છે. આ અભ્‍યાસ આજથી ૧૯ માર્ચ સુધી ચાલશે. દક્ષિણ કોરિયાના સંયુક્‍ત ચીફ ઓફ સ્‍ટાફ મુજબ, ફ્રીડમ શીલ્‍ડમાં લગભગ ૧૮,૦૦૦ કોરિયન સૈનિકો ભાગ લેશે. જોકે, અમેરિકન ફોર્સીસ કોરિયા (USFK)એ અમેરિકન સૈનિકોની સંખ્‍યા અંગે પુષ્ટિ કરી નથી. આ અંગે એવી ચર્ચા ચાલી રહી છે કે શું ટ્રમ્‍પ વધુ એક વોરની તૈયારી કરતા હોય તેવું હોય શકે છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયાનો આ સંયુક્‍ત યુદ્ધાભ્‍યાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્‍યારે દક્ષિણ કોરિયાની મીડિયા અહેવાલો મુજબ, વોશિગ્‍ટન કેટલાક સૈન્‍ય સાધનો દક્ષિણ કોરિયામાંથી હટાવીને ઈરાન સામે યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે.

અમેરિકન સૈન્‍ય કોરિયાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, સુરક્ષા કારણોસર તે સૈન્‍ય સંપત્તિની ખાસ ગતિવિધિઓ પર ટિપ્‍પણી નહીં કરે. દક્ષિણ કોરિયાના અધિકારીઓએ પણ એ અહેવાલો પર ટિપ્‍પણી કરવાનું ટાળ્‍યું છે, જેમાં કહેવામાં આવ્‍યું છે કે, કેટલાક અમેરિકન પેટ્રિયટ એન્‍ટી-મિસાઈલ સિસ્‍ટમ અને અન્‍ય સાધનો મિડલ ઈસ્‍ટ મોકલવામાં આવ્‍યા છે, પણ તેમણે કહ્યું કે આથી સહયોગી દેશોની સંયુક્‍ત રક્ષણ રણનીતિ પર ખાસ અસર નહીં પડે.

બીજી તરફ, નોર્થ કોરિયા ફ્રીડમ શીલ્‍ડ અભ્‍યાસ પર સતત વાંધો ઉઠાવે છે. નોર્થ કોરિયા આ અભ્‍યાસને હુમલાની તૈયારી તરીકે જુએ છે, જેના કારણે તણાવ વધી શકે છે. નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉને ગયા મહિને પ્‍યોંગયાંગમાં એક સંમેલન દરમિયાન સિયોલ સામે પોતાનો કડક વલણ ફરીથી વ્‍યક્‍ત કર્યો હતો, પણ વોશિગ્‍ટન સાથે વાતચીતના દરવાજા ખુલ્‍લા રાખ્‍યા હતા, તેમણે માગ કરી છે કે અમેરિકા પરમાણુ નષ્ટ કરવાની પૂર્વશરત છોડી દે.

તમને જણાવી દઈએ કે, ૨૦૧૯માં કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન થયેલા શિખર સંમેલન નિષ્‍ફળ ગયા પછી, નોર્થ કોરિયાએ વોશિગ્‍ટન અને સિયોલ સાથે તમામ મહત્‍વપૂર્ણ વાતચીત બંધ કરી દીધી છે. છેલ્‍લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્‍ચે તણાવ વધુ વધી ગયો છે, કારણ કે કિમે યુક્રેન પર રશિયાના હુમલાનો લાભ લઈ પોતાના પરમાણુ શષો રાખવાની જગ્‍યાને ઝડપથી વિકસાવી છે. સાથે જ, કિમ જોંગ ઉન રશિયા સાથે પોતાના સૈન્‍ય સંબંધો મજબૂત કરી ચૂક્‍યા છે. તેઓ યુક્રેન યુદ્ધ માટે રશિયાને હથિયારો અને સૈનિકો મોકલી રહ્યા છે, જેનાથી રશિયાને યુદ્ધમાં મદદ મળી છે.

ફ્રીડમ શીલ્‍ડ બંને દેશો દ્વારા વર્ષમાં બે વખત યોજાતા 'કમાન્‍ડ પોસ્‍ટ' અભ્‍યાસોમાંથી એક છે. બીજું ઓગસ્‍ટમાં ઉલ્‍ચી ફ્રીડમ શીલ્‍ડ થાય છે. આ અભ્‍યાસ મુખ્‍યત્‍વે કમ્‍પ્‍યુટર સિમ્‍યુલેશન આધારિત છે અને સંયુક્‍ત ઓપરેશનલ ક્ષમતા પારખે છે, જેમાં બદલાતી યુદ્ધ પરિસ્‍થિતિ અને સુરક્ષા પડકારો સામેલ છે. આ વખતે ફીલ્‍ડ ટ્રેનિગ પ્રોગ્રામ 'વોરિયર શીલ્‍ડ' હેઠળ ૨૨ ફીલ્‍ડ અભ્‍યાસ થશે, જે ગયા વર્ષે ૫૧ હતા.

જોકે, અમેરિકા અને દક્ષિણ કોરિયા કહે છે કે ફીલ્‍ડ અભ્‍યાસ આખા વર્ષ દરમિયાન ચાલતા રહે છે, પણ એવી ચર્ચા છે કે સહયોગી દેશો નોર્થ કોરિયા સાથે વાતચીત માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે આ અભ્‍યાસ કરે છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્‍યુંગે કૂટનીતિની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી છે. તેમના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ આશા વ્‍યક્‍ત કરી છે કે માર્ચના અંત અથવા એપ્રિલમાં ટ્રમ્‍પની ચીન યાત્રાથી પ્‍યોંગયાંગ સાથે વાતચીતનો કોઈ રસ્‍તો ખુલ્‍લો પડી શકે છે.

(2:41 PM IST)