<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ઈંટ કે સિમેન્‍ટની જરૂર નહીં પડે! ૧.૫ લાખમાં બની જશે ઘર, ભૂકંપની પણ નહીં થાય અસર !

NTPCએ કોલસાની રાખ એટલે કે ‘ફ્‌લાય એશ'માંથી બનાવેલા ખાસ ઈકો-ફ્રેન્‍ડલી ઘરનું સફળ પ્રદર્શન કર્યુ : આ ઘરના નિર્માણમાં પરંપરાગત ઈંટ, રેતી કે સિમેન્‍ટના સ્‍થાને ૮૦% જેટલી ફ્‌લાય એશ વાપરવામાં આવી છે, જે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે

નવી દિલ્‍હી, તા.૯: વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી વચ્‍ચે સામાન્‍ય માણસ માટે ઘર બનાવવું એક સપનું બની ગયું છે, પરંતુ NTPC(નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) દ્વારા રજૂ કરવામાં આવેલી નવી ટેકનોલોજી આ સ્‍થિતિમાં મોટો બદલાવ લાવી શકે છે. NTPC એ કોલસાની રાખ એટલે કે ‘ફ્‌લાય એશ'માંથી બનાવેલા ખાસ ઈકો-ફ્રેન્‍ડલી ઘરનું સફળ પ્રદર્શન કર્યું છે. ‘સુખ' નામનું આ આધુનિક આવાસ માત્ર ૧.૫ લાખના બજેટમાં તૈયાર કરી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ઘરના નિર્માણમાં પરંપરાગત ઈંટ, રેતી કે સિમેન્‍ટના સ્‍થાને ૮૦% જેટલી ફ્‌લાય એશ વાપરવામાં આવી છે, જે પર્યાવરણની જાળવણીમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે.

શું છે ફ્‌લાય એશ ટેકનોલોજી?

ફ્‌લાય એશ એ વાસ્‍તવમાં પાવર પ્‍લાન્‍ટમાં કોલસો સળગાવવાથી નીકળતી રાખ છે. અત્‍યાર સુધી તેને કચરો માનવામાં આવતી હતી, પરંતુ હવે તેમાં ચૂનો અને જીપ્‍સમ ભેળવીને અત્‍યંત મજબૂત બ્‍લોક્‍સ તૈયાર કરવામાં આવ્‍યા છે. આ ટૅક્રોલૉજીમાં ‘પ્રી-ફેબ્રિકેટેડ' પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં ઘરના ભાગોને પઝલની જેમ એકબીજા સાથે જોડી દેવામાં આવે છે. આ પદ્ધતિથી જે ઘર બનાવતા મહિનાઓ લાગતા હતા, તે હવે માત્ર ૧૫થી ૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. આ કારણે મજૂરી ખર્ચમાં પણ મોટી બચત થાય છે.

આવાસ યોજનાઓ માટે ‘ગેમ-ચેન્‍જર' ટૅકનોલૉજીઃ મજબૂતીની વાત કરીએ તો, રાખમાંથી બનેલા આ ઘર પર ભૂકંપ કે ખરાબ હવામાનની કોઈ ખાસ અસર થતી નથી. સામાન્‍ય લાલ ઈંટની સરખામણીએ ફ્‌લાય એશના બ્‍લોક્‍સ હલકા અને અગ્નિરોધક હોય છે, જે આગ સામે વધુ રક્ષણ આપે છે. આ ઉપરાંત, તેમાં ભેજ લાગવાની કે દિવાલ પર પોપડા ઉખડવાની સમસ્‍યા પણ નહિવત રહે છે. આ ટૅકનોલોજી ખાસ કરીને ગ્રામીણ વિસ્‍તારો અને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના' માટે ગેમ-ચેન્‍જર સાબિત થઈ શકે તેમ છે, કારણ કે તે કુદરતી સંસાધનોની બચત કરવાની સાથે સામાન્‍ય લોકોને સસ્‍તું અને સુરક્ષિત ઘર પૂરું પાડે છે

(2:41 PM IST)