<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

બાહુબલીઓના ગઢમાં 'રાય' ની 'રોર' : રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળતા જ નિર્લિપ્ત રાયનો ગોંડલ પર એક્શન પ્લાન

ગુનેગારો અને ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ; પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકાના એસપી સાથે બેઠક કરી સાંજે ગોંડલ પોલીસ સ્ટેશને લેશે રોલકોલ

રાજકોટ: ૦૯ માર્ચ, ૨૦૨૬ : ગુજરાત પોલીસ બેડાના સૌથી બાહોશ અને કડક છાપ ધરાવતા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે આજે રાજકોટ રેન્જ આઈજી (IG) તરીકે વિધિવત સત્તાવાર ચાર્જ સંભાળી લીધો છે. રાજ્યના ૩૭ આઈપીએસ અધિકારીઓની તાજેતરની બદલીઓમાં નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જમાં નિમણૂકથી સૌરાષ્ટ્રના ગુનાખોરીના ગઢ ગણાતા વિસ્તારોમાં સોંપો પડી ગયો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે 'બાહુબલી' સંસ્કૃતિને ડામવા સીધો ગોંડલ તરફ કૂચ કરવાનો સંકેત આપી પોતાની આગવી કાર્યશૈલીનો પરિચય કરાવ્યો છે.

પાંચ જિલ્લાના પોલીસ વડાઓ સાથે હાઈલેવલ બેઠક:
રાજકોટ રેન્જ આઈજી તરીકે પદભાર સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે તુરંત જ રેન્જ હેઠળ આવતા પાંચેય જિલ્લાના પોલીસ વડાઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલું, રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર, મોરબી એસપી મુકેશ પટેલ, જામનગર એસપી રવિ મોહન શૈની અને દેવભૂમિ દ્વારકા એસપી જયરાજસિંહ વાળા સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા જ ગોંડલ રવાના થશે.

ગોંડલ પોલીસ મથકે થશે શિસ્તના પાઠ અને રોલકોલ:
નિર્લિપ્ત રાય સાંજે ગોંડલ પહોંચીને ત્યાંના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ સાથે ખાસ મિટિંગ યોજવાના છે. મહત્વનું છે કે તેઓ માત્ર ગુનેગારો જ નહીં પરંતુ ફરજમાં બેદરકાર પોલીસકર્મીઓ સામે પણ કડક પગલાં લેવા માટે જાણીતા છે. ગોંડલ ખાતે તેઓ સ્વયં રોલકોલ લેશે, જે પોલીસ બેડામાં શિસ્ત અને સજ્જતા લાવવાનો સીધો પ્રયાસ મનાય રહ્યો છે. ગોંડલ-રીબડાના જૂથવાદ અને સ્થાનિક બાહુબલીઓના પ્રભુત્વ વચ્ચે આ મુલાકાતને 'ગુંડારાજ' ના અંતની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

ચૂંટણી પૂર્વે ગુનાખોરી મુક્ત વાતાવરણનો સંકલ્પ:
રાજકોટ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ગોંડલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા લાંબા સમયથી મજબૂત નેતૃત્વની જરૂરિયાત વર્તાતી હતી. આગામી ચૂંટણીઓને ધ્યાને લેતા નિર્લિપ્ત રાયની એન્ટ્રીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. હવે સૌરાષ્ટ્રના આ મહત્વના ક્ષેત્રમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને બાહુબલીઓના વર્ચસ્વ પર કેવી રીતે લગામ કસાય છે, તે તરફ આખા ગુજરાતની મીટ મંડાઈ છે.

(3:08 PM IST)