News of Monday, 9th March 2026
પ્રજાને હાશકારો : ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર થયા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે
ઓઈલ માર્કેટીંગ કંપનીઓ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલી વૃદ્ધિનો બોજ સહન કરી લેશે :સંગ્રહખોરીને અટકાવવા LPG સિલેન્ડર ભરવા માટે બુકિંગની ન્યૂનત્તમ વેઈટિંગ સમય ગાળો 21 દિવસથી વધારી 25 દિવસ કર્યો

નવી દિલ્હી :વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલને પાર થવા છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ જ વધારો નહીં થાય તેવી સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાતને લીધે સામાન્ય પ્રજાજનોને મોટો હાશકારો થયો છે. સરકારી સૂત્રોએ આપવામાં આવેલી માહિતી પ્રમાણે સરકાર વૈશ્વિક ઓઈલ બજારોમાં સતત નજર રાખી રહી છે.
જોકે ઘરઆંગણે છૂટક કિંમતોમાં કોઈ જ વધારો થશે નહીં. અત્યારે તો ઓઈલ માર્કેટીંગ કંપનીઓ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં થયેલી વૃદ્ધિનો બોજ સહન કરી લેશે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઓઈલની કિંમતોમાં ઝડપી વૃદ્ધિ માર્કેટિંગ કંપનીઓ માટે મોટા બોજરૂપ છે. બીજીબાજુ વૈશ્વિક એનર્જી સપ્લાઈને લઈ ચિંતા વધી રહી છે.
મળતી માહિતી પ્રમાણે સરકારે સંગ્રહખોરીને અટકાવવા માટે LPG સિલેન્ડર ભરવા માટે બુકિંગની ન્યૂનત્તમ વેઈટિંગ સમય ગાળો 21 દિવસથી વધારી 25 દિવસ કર્યો છે. તેમણે જણાવ્યું કે સરેરાશ પરિવારે એક વર્ષમાં 14.2 કિલોગ્રામના સાતથી 8 LPG સિલેન્ડરનો ઉપયોગ કરી શકે છે અને સામાન્ય રીતે છ સપ્તાહથી ઓછા સમયમાં તેને ભરાવવો જરૂરી બનતો નથી.
સંગ્રહ ખોરી અને બજારમાં જાણીજોઈને અછતની પરિસ્થિતિ સર્જન થતી અટકાવવા માટે સિલેન્ડર ભરાવવા માટે બુકિંગ અવધિ વધારવામાં આવી છે.આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓ પાસે LPG પૂરતા પ્રમાણમાં સંગ્રહિત છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
