News of Monday, 9th March 2026
કોચી બંદરે ઈરાની યુદ્ધ જહાજનું 'સીક્રેટ' શૂટિંગ કરવું રિપબ્લિક ટીવીના પત્રકારોને ભારે પડ્યું: જેલના સળિયા પાછળ પહોંચ્યા રિપોર્ટર અને કેમેરામેન, જામીન માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા
ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ નોંધાયો ગંભીર ગુનો: હાઈ-સિક્યોરિટી ઝોનમાં ચાર્ટર્ડ બોટ લઈને ઘૂસી ગયા હતા પત્રકારો—પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ઈરાની જહાજ 'IRIS Lavan'ના ફૂટેજ લેવાનો પ્રયાસ પડ્યો મોંઘો; જાણો આવતીકાલે કોર્ટ શું આપશે ચુકાદો

કોચી: કેરળના કોચી બંદર પર એક અત્યંત સંવેદનશીલ ઘટનામાં રિપબ્લિક ટીવીના બે પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને દરિયાઈ તણાવ વચ્ચે, પ્રતિબંધિત વિસ્તારમાં ડોક કરાયેલા ઈરાની યુદ્ધ જહાજ 'IRIS Lavan'નું ફિલ્માંકન કરવાનો પ્રયાસ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
રવિવારે રિપબ્લિક ટીવીના પત્રકાર શંકર સી.જી. અને કેમેરામેન એસ. મણિ એક ખાનગી ચાર્ટર્ડ બોટ ભાડે કરીને કોચી બંદરના હાઈ-સિક્યોરિટી ઝોનમાં પહોંચ્યા હતા. ભારત અને ઈરાન વચ્ચેના રાજદ્વારી કરાર હેઠળ આ જહાજ ત્યાં લાંગરવામાં આવ્યું છે. CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) ના જવાનોએ આ પત્રકારોને જહાજના ક્લોઝ-અપ ફૂટેજ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને પોલીસને સોંપ્યા હતા.
જાસૂસીની ગંભીર કલમો હેઠળ કેસ
પોલીસે આ પત્રકારો અને બોટ ડ્રાઈવર સામે અત્યંત કડક ગણાતા 'ઓફિશિયલ સિક્રેટ એક્ટ' (Official Secrets Act) હેઠળ ગુનો નોંધ્યો છે:
• કલમ ૩(૧)(a): પ્રતિબંધિત સ્થળોએ જાસૂસી કરવાનો આરોપ.
• કલમ ૫: માહિતીનો ખોટો સંચાર કરવો.
• IPC કલમ ૩૨૯(૩): સુરક્ષિત વિસ્તારમાં ગુનાહિત અતિક્રમણ (Trespassing).
કોર્ટમાં બચાવ પક્ષની દલીલો
સોમવારે એર્નાકુલમની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પત્રકારોના વકીલે દલીલ કરી હતી કે, "અમે કોઈ ગુનાહિત કે વાંધાજનક ફૂટેજ રેકોર્ડ કર્યા નથી. અન્ય મીડિયા હાઉસ પણ આ જહાજના આગમન વિશે સમાચાર ચલાવી રહ્યા છે, તેથી જાસૂસીનો આરોપ ટકી શકે નહીં."
જોકે, સરકારી પક્ષે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને જામીનનો વિરોધ કર્યો છે. કોર્ટે હાલમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે અને મંગળવારે (૧૦ માર્ચ) આ પત્રકારોને જામીન મળશે કે જેલમાં જ રહેવું પડશે તેનો ફેંસલો સંભળાવશે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
