અમેરિકાના વોશિંગ્ટન વોર મેમોરિયલ પર ડાન્સ કરી ભારતીય કપલ વિવાદમાં ફસાયું: સોશિયલ મીડિયા પર ડિપોર્ટ કરવાની ઉઠી માંગ
'ડોન્ટ રશ ચેલેન્જ'ના વીડિયો બાદ ભારતીય દંપતી સામે આક્રોશ, તો બીજી તરફ વ્હાઈટ અમેરિકનોના જૂના ડાન્સ વીડિયો શેર કરી દેશી સમુદાયે 'ડબલ સ્ટાન્ડર્ડ' સામે વ્યક્ત કર્યો વિરોધ

વોશિંગ્ટન:અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં આવેલા પ્રતિષ્ઠિત વર્લ્ડ વોર-૨ મેમોરિયલ સામે ડાન્સ કરવાનો એક વીડિયો વાયરલ થતા ભારતીય મૂળના એક દંપતી માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આ વીડિયોને કારણે દંપતી ભારે કાયદાકીય ગુંચવણ અને સોશિયલ મીડિયા પર તીવ્ર આક્રોશનો સામનો કરી રહ્યું છે. જોકે, આ વિવાદમાં ભારતીય સમુદાય પણ દંપતીના સમર્થનમાં આગળ આવ્યો છે અને પક્ષપાતી વલણ સામે સવાલો ઉઠાવ્યા છે.
પવિત્ર સ્મારક પર ડાન્સથી વિવાદની શરૂઆત
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આ ભારતીય દંપતીએ બીજા વિશ્વયુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકન સૈનિકોની યાદમાં બનેલા વોર મેમોરિયલ સામે પ્રચલિત 'ડોન્ટ રશ ચેલેન્જ' પર ડાન્સ કર્યો હતો. અમેરિકામાં આ સ્મારકને અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોનું સન્માન કરે છે. આ વીડિયો વાયરલ થતા જ લોકોએ તેને સ્મારકનું અપમાન ગણાવ્યું હતું અને ઘણા યુઝર્સે તો દંપતીને અમેરિકામાંથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવાની પણ માંગ કરી દીધી હતી.
ભારતીય સમુદાયે આપ્યો જડબાતોડ જવાબ
દંપતી સામે થઈ રહેલા પ્રહાર વચ્ચે અમેરિકામાં વસતા ભારતીયો (દેશીઓ) તેમના બચાવમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ઉઠેલી નફરત અને ભેદભાવની લહેરને રોકવા માટે ભારતીય સમુદાયે વ્હાઈટ અમેરિકનોના એવા અનેક જૂના વીડિયો શેર કર્યા છે જેમાં તેઓ પણ આ જ મેમોરિયલ સામે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સમુદાયના લોકોનું કહેવું છે કે જ્યારે ગોરા લોકો ત્યાં ડાન્સ કરે છે ત્યારે તેને મનોરંજન માનવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ ભારતીય આવું કરે છે ત્યારે તેને દેશનિકાલ કરવાની વાતો થાય છે, જે સ્પષ્ટપણે 'ડબલ સ્ટાન્ડર્ડ' દર્શાવે છે.
કાયદાકીય ગુંચવણ વધી
હાલમાં આ મામલો ગંભીર બન્યો છે અને દંપતી કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગયું છે. એક તરફ સ્મારકની ગરિમા જાળવવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ આ ઘટનાએ વંશીય ભેદભાવ અને સોશિયલ મીડિયા પર થતા 'ટ્રોલિંગ'ના મુદ્દાને ફરીથી જીવંત કર્યો છે. આ ઘટના બાદ વોશિંગ્ટનના સંવેદનશીલ વિસ્તારોમાં વીડિયો શૂટ કરવા અંગેના નિયમો પર પણ ચર્ચાઓ તેજ થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
