<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રતન ટાટાને 'ભારત રત્ન' આપો : ગુજરાતના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ઉઠાવી માંગ

ધોળકિયાએ રતન ટાટાના પ્રદાનને યાદ કરતા જણાવ્યું કે તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યમજગતના સાચા માર્ગદર્શક હતા. તેમણે હંમેશા અંગત નફા કરતા દેશહિતને સર્વોપરી રાખ્યું

રાજ્યસભામાં ગુજરાતના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ રતન ટાટાને 'ભારત રત્ન' આપવાની માંગ કરી છે. સાથે જ સાંસદ મયંક નાયકે MSME ક્ષેત્રે OBC અને વિચરતી જાતિના ઉદ્યોગકારોના વિકાસ અંગે પ્રશ્ન ઉઠાવતા, કેન્દ્રીય મંત્રી જિતન રામ માંઝીએ OBC ઉદ્યમીઓને તાલીમ, માર્કેટિંગ અને સરકારી ખરીદીમાં સહાય આપવાની સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગુજરાતના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાને મરણોત્તર 'ભારત રત્ન' આપવાની જોરદાર માંગ કરી હતી. ધોળકિયાએ રતન ટાટાના પ્રદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, તેઓ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ સમગ્ર ઉદ્યમજગતના સાચા માર્ગદર્શક હતા. તેમણે હંમેશા અંગત નફા કરતા દેશહિતને સર્વોપરી રાખ્યું હતું. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપ અને ભારતીય ઉદ્યોગોએ વૈશ્વિક સ્તરે નામના મેળવી છે, તેથી તેમને દેશનું સર્વોચ્ચ સન્માન આપવું એ ઉચિત રહેશે.

 

બીજી તરફ, ગુજરાતના જ અન્ય એક સક્રિય સાંસદ મયંકકુમાર નાયકએ પછાત વર્ગોના આર્થિક ઉત્થાન માટે મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયને સંબોધતા જણાવ્યું કે, સરકાર પાસે SC અને ST સમુદાય માટે ઘણી વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો આજે પણ આર્થિક રીતે પાછળ છે. આ પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા માટે મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે તે અંગે તેમણે પૃચ્છા કરી હતી.

મયંક નાયકના પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જિતન રામ માંઝીએ સ્પષ્ટતા કરી હતી કે ભારત સરકારની નીતિ મુજબ SC/ST ની જેમ જ OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તેમણે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું હતું કે OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે. ઉત્પાદિત માલના વેચાણ અને માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે.

સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% લક્ષ્ય છે, તેવી જ રીતે OBC ઉદ્યમીઓને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. મંત્રીએ અંતમાં ઉમેર્યું કે, વિચરતી જાતિના ઉદ્યમીઓને ઉદ્યોગ ક્ષેત્રે કોઈ પણ અગવડ ન પડે તે જોવું સરકારની પ્રાથમિકતા છે.

(11:56 PM IST)