LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે 25 દિવસ પછી જ મળશે બીજું રિફિલ : કાળાબજારિયાઓ પર સરકારની લાલઆંખ
મધ્ય-પૂર્વના યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધ વચ્ચે ઘરેલું ગ્રાહકોને રાહત આપવા કેન્દ્રનો મોટો નિર્ણય: અલ્જેરિયા અને કેનેડા જેવા નવા ભાગીદારો સાથે ઈંધણની સુરક્ષા સુનિશ્ચિત કરતી ભારત સરકાર

નવી દિલ્હી: દેશમાં રાંધણ ગેસના સપ્લાયને વ્યવસ્થિત કરવા અને સંગ્રહખોરી પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે LPG બુકિંગના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ, હવે ગ્રાહકો બે સિલિન્ડર વચ્ચેના બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગેસ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કાળાબજારી અટકે અને જરૂરિયાતમંદ ગ્રાહકોને સમયસર ગેસ મળી રહે. સરકારે ગેસ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અત્યારે વાણિજ્યિક વપરાશ કરતા ઘરેલું કનેક્શનને પ્રાથમિકતા આપવામાં આવે, જેથી સામાન્ય જનતાના રસોડા પર યુદ્ધની અસર ન પડે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠામાં આવી રહેલા વિક્ષેપને પહોંચી વળવા ભારત સરકારે હવે નવા વિકલ્પો પર કામ શરૂ કરી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાના ભય વચ્ચે ભારત હવે માત્ર ખાડી દેશો પર નિર્ભર રહેવાને બદલે અલ્જેરિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને નોર્વે જેવા દેશો સાથે નવા વ્યૂહાત્મક કરારો કરી રહ્યું છે. રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન મહત્તમ સ્તરે લઈ જવાની સૂચના આપવામાં આવી છે. સરકારના આ આક્રમક અભિગમને કારણે આગામી સમયમાં ઈંધણની અછત વર્તાવાની શક્યતા નહિવત જણાઈ રહી છે, જે સામાન્ય નાગરિકો માટે આશ્વાસનરૂપ સમાચાર છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે પણ સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે હાલમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત $130 પ્રતિ બેરલની સપાટી વટાવે નહીં, ત્યાં સુધી સ્થાનિક બજારમાં ભાવ વધારવાની કોઈ હિલચાલ નથી. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ નો સ્ટોક પણ સુરક્ષિત હોવાથી વિમાન સેવાઓ પર કોઈ મોટી અસર પડશે નહીં. સરકારના આ નીતિવિષયક ફેરફારો દર્શાવે છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારત પોતાની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા સજ્જ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
