News of Monday, 9th March 2026
ભારતની બ્રહ્મોસનો ઇન્ડોનેશિયામાં ડંકો: 350 મિલિયન ડોલરનો ઐતિહાસિક સંરક્ષણ સોદો પાકો
ફિલિપાઈન્સ બાદ હવે ઇન્ડોનેશિયા પણ ભારતીય સુપરસોનિક શક્તિથી સજ્જ થશે: ડ્રેગનના દબદબા સામે દરિયાઈ સીમાઓને સુરક્ષિત કરવા ₹2,900 કરોડના ખર્ચે વિશ્વની સૌથી ઝડપી મિસાઈલ સિસ્ટમ ખરીદશે

નવી દિલ્હી: ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક મોટો અને વ્યૂહાત્મક સોદો સંપન્ન થયો છે. ઇન્ડોનેશિયાએ પોતાની સૈન્ય તાકાત વધારવા માટે ભારત પાસેથી 'બ્રહ્મોસ' સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ખરીદવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલો મુજબ, આ સંરક્ષણ કરાર અંદાજે $200 થી $350 મિલિયન (આશરે ₹1,600 થી ₹2,900 કરોડ) ની વચ્ચે થયો છે. ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયે આધુનિકીકરણના ભાગરૂપે આ સિસ્ટમ મેળવવા માટે ભારત સાથે હસ્તાક્ષર કર્યા છે, જે દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે.
હજારો ટાપુઓ ધરાવતા ઇન્ડોનેશિયા માટે દરિયાઈ સુરક્ષા સૌથી મોટો પડકાર છે. બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ જમીન, સમુદ્ર અને આકાશ એમ ત્રણેય પ્લેટફોર્મ પરથી હુમલો કરવામાં સક્ષમ છે, જે તેને દુશ્મન જહાજો માટે અત્યંત ઘાતક બનાવે છે. આ મિસાઇલની અદભૂત ઝડપ અને ચોકસાઈને કારણે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે અટકાવવી લગભગ અશક્ય માનવામાં આવે છે. ઇન્ડોનેશિયા આ સિસ્ટમનો ઉપયોગ તેના વ્યૂહાત્મક દરિયાકાંઠાના સંરક્ષણ માટે કરશે, જેથી કોઈપણ પ્રાદેશિક સુરક્ષા પડકારોનો જડબાતોડ જવાબ આપી શકાય.
ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત બ્રહ્મોસ માટે ફિલિપાઈન્સ બાદ ઇન્ડોનેશિયા બીજો મોટો આંતરરાષ્ટ્રીય ખરીદદાર બન્યો છે. આ સોદો ભારતના 'મેક ઇન ઇન્ડિયા' અને સંરક્ષણ નિકાસના લક્ષ્યો માટે એક મોટી સિદ્ધિ સમાન છે. આનાથી માત્ર ભારતની અર્થવ્યવસ્થાને જ વેગ નહીં મળે, પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ નવી ઊંચાઈએ પહોંચશે. આવનારા સમયમાં વિયેતનામ જેવા અન્ય દેશો પણ ભારતની આ મિસાઈલ શક્તિમાં રસ દાખવી શકે છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
