<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

આઈટી એસેસમેન્‍ટમાં ૩૧ માર્ચ પહેલાં હજ્‍જારો કરદાતાઓને નોટિસ ફટકારાશે

નોટિસ આપ્‍યા બાદ સાત દિવસનો સમય પણ મળવાની શક્‍યતાઓ ઘણી ઓછી

મુંબઈ,તા.૧૦: વર્ષ ૨૦૨૪-૨૫નું એસેસમેન્‍ટ કરવાની છેલ્‍લી તારીખ ૩૧ માર્ચ હોવાના કારણે આગામી દિવસોમાં હજ્‍જારો કરદાતાઓને ઈન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે.

ઇન્‍કમટેક્‍સ વિભાગમાં નાણાકીય વર્ષ પૂરું થયાના એક વર્ષના સમયગાળામાં એસેસમેન્‍ટની કામગીરી પૂરી કરીને કરદાતાઓને નોટિસ આપી દેવાની હોય છે. સાથે સાથે તેને લગતા ઓર્ડર પણ કરી દેવાના હોય છે, કારણ કે નવા ઇન્‍કમટેક્‍સ નિયમ પ્રમાણે જૂના કોઈ પણ કેસ હોય તો તેમાં વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીના કેસ જ ખોલી શકાય છે. તેના કારણે નાણાકીય વર્ષ પૂરું થયાના એક જ વર્ષમાં એસેસમેન્‍ટની કામગીરી પૂરી કરવાની હોય છે. આ કારણોસર વર્ષ ૨૦૨૪-૨૫નું નાણાકીય વર્ષ પૂરું થયા બાદ ૩૧ માર્ચ સુધીમાં એસેસમેન્‍ટની કામગીરી પૂરી કરવાની હોવાના લીધે મોટાભાગના અધિકારીઓ હાલ તો તે કામગીરીમાં જોતરાયેલા છે. તે પહેલા કરદાતાઓને હાલ તો નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે નોટિસ આપ્‍યા બાદ કરદાતાઓને જવાબ રજૂ કરવા માટે પણ કેટલાક કિસ્‍સામાં સાત દિવસનો સમય મળવાનો નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે. જોકે છેલ્‍લી ઘડીએ કરવામાં આવતી કામગીરીને કારણે કેટલીક વખત આડેધડ ઓર્ડર કરવામાં આવતા હોવાની પણ વ્‍યાપક ફરિયાદ ઉઠતી હોય છે.સીએ અતીત દિલીપ શાહના જણાવ્‍યા અનુસાર ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા કરદાતાની વિરુદ્ધમાં ઓર્ડર કરે તેવા કિસ્‍સામાં અપીલ કરવા માટે ૩૦ દિવસનો સમયગાળો મળતો હોય છે. જો તે દરમિયાન અપીલ કરવામાં આવે તો તેઓની સુનાવણી થઇ શકશે.

(9:59 AM IST)