<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

હવે કોરોના રસીની આડઅસરથી થતા મૃત્‍યુ પર કેન્‍દ્ર સરકારે આપવું પડશે વળતર

કોરોના રસીની આડઅસર પર સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ રસીના કારણે જીવ ગુમાવનારા પરિવારો માટે ન્‍યાયના દ્વાર ખુલ્‍યા : કોર્ટે કેન્‍દ્ર સરકારને વળતર માટે કડક નીતિ ઘડવા અને પ્રતિકૂળ અસરોથી પીડાતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપ્‍યો મહત્‍વપૂર્ણ આદેશ

નવી દિલ્‍હી, તા.૧૦: ભારતમાં કોરોના મહામારી સામેના જંગમાં રસીકરણ એક મજબૂત શષા સાબિત થયું છે, પરંતુ તેની રેર (દુર્લભ) આડઅસરોને કારણે અનેક પરિવારોએ વ્‍હાલસોયા સ્‍વજનો ગુમાવ્‍યા હોવાના આક્ષેપો સાથે કાનૂની લડાઈ તેજ બની હતી. આજે સુપ્રીમ કોર્ટે આ મામલે અત્‍યંત સંવેદનશીલ અને દૂરગામી અસરો ધરાવતો ચુકાદો આપ્‍યો છે. જસ્‍ટિસ વિક્રમ નાથ અને જસ્‍ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કેન્‍દ્ર સરકારને સ્‍પષ્ટ આદેશ આપ્‍યો છે કે રસીકરણની પ્રતિકૂળ અસરોથી થતી ગંભીર ઇજાઓ અથવા મળત્‍યુના કિસ્‍સામાં વળતર આપવા માટે એક ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવે. બે સગીર દીકરીઓના આકસ્‍મિક મળત્‍યુ બાદ ન્‍યાય માટે વલખાં મારતા માતા-પિતાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે સ્‍વીકાર્યું કે નાગરિકોના સ્‍વાસ્‍થ્‍યના અધિકાર સાથે તેમની સુરક્ષાની જવાબદારી પણ સરકારની છે. જોકે, કોર્ટે સ્‍પષ્ટતા કરી છે કે આ વળતર નીતિનો અર્થ સરકારની નૈતિક જવાબદારી છે, તેને કોઈ કાનૂની ભૂલ કે અપરાધની કબૂલાત તરીકે જોવી જોઈએ નહીં.

ચુકાદાનો બીજો અને સૌથી મહત્‍વનો પાસું ડેટાની પારદર્શિતા છે. સર્વોચ્‍ચ અદાલતે રસીની આડઅસરોની તપાસ માટે નવી નિષ્‍ણાત પેનલ બનાવવાની માંગને ભલે નકારી કાઢી હોય, પરંતુ કેન્‍દ્ર સરકારને આદેશ આપ્‍યો છે કે રસીકરણ પછી નોંધાયેલી તમામ પ્રતિકૂળ ઘટનાઓનો ડેટા સમયાંતરે સાર્વજનિક કરવો પડશે. અદાલતે ભારપૂર્વક જણાવ્‍યું કે માહિતીની ગુપ્તતા જનતામાં શંકા જન્‍માવે છે, જ્‍યારે ડેટાનું સમયાંતરે પ્રકાશન વૈજ્ઞાનિક સત્‍યને મજબૂત કરે છે અને લોકોમાં રસી પ્રત્‍યેનો ભરોસો કાયમ રાખે છે. હાલની દેખરેખ સિસ્‍ટમને યથાવત રાખવાની સાથે કોર્ટે એ પણ નિર્દેશ આપ્‍યો છે કે જો કોઈ વ્‍યક્‍તિ કાનૂની આશરો લેવા માંગતી હોય, તો આ ચુકાદો તેમના માર્ગમાં અવરોધ બનશે નહીં. આનો અર્થ એ થયો કે પીડિતો વળતર નીતિ ઉપરાંત પણ ન્‍યાય માટે અદાલતના દ્વાર ખખડાવી શકશે.

આ ઐતિહાસિક નિર્ણયથી દેશભરના એવા હજારો પરિવારોમાં આશાનું કિરણ જાગ્‍યું છે જેઓ અત્‍યાર સુધી રસીની આડઅસરના પુરાવાઓ અને વળતરના અભાવે લાચારી અનુભવતા હતા. અરજીકર્તાઓએ માંગ કરી હતી કે રસીની આડઅસરોની સ્‍વતંત્ર તપાસ થાય અને તમામ પોસ્‍ટમોર્ટમ અહેવાલો સાર્વજનિક કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સિસ્‍ટમમાં ધરખમ ફેરફારને બદલે સુધારાવાદી અભિગમ અપનાવીને સરકારને લોકશાહી ઢબે જવાબદાર ઠેરવી છે. હવે કેન્‍દ્ર સરકાર માટે આ પડકાર રહેશે કે તેઓ એવી વળતર નીતિ ઘડે જે જટિલ સરકારી પ્રક્રિયાઓમાં અટવાયેલી ન હોય અને ખરેખર જરૂરિયાતમંદ પરિવારોને સમયસર આર્થિક અને સામાજિક ટેકો પૂરો પાડે. આ ચુકાદો ભારતના જાહેર આરોગ્‍ય ઇતિહાસમાં જવાબદારી અને પારદર્શિતાના નવા માપદંડો સ્‍થાપિત કરશે. 

(3:49 PM IST)