News of Tuesday, 10th March 2026
અમેરિકાએ ઈરાનના ૪૬ જહાજો કર્યા નષ્ટ
ટ્રમ્પનો મોટો દાવો

વોશીંગ્ટન તા.૧૦: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલા સૈન્ય અભિયાનને ૧૦ દિવસ વીતી ગયા હોવા છતાં યુદ્ધના મેદાનમાં શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈઝરાયેલ અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી અને અમેરિકાના મજબૂત સૈન્ય સમર્થન સાથે ઈરાન પર દબાણ વધારી રહ્યું છે, પરંતુ ઈરાન હજુ પણ નમતું જોખવા તૈયાર નથી, જેના કારણે આ સંઘર્ષ હવે ૧૧મા દિવસમાં વધુ વકર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ જલ્દી સમાપ્ત કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં અમેરિકાની આકરી ધમકીઓ અને સૈન્ય જમાવટે સ્થિતિને વધુ બેકાબૂ બનાવી દીધી છે. આ ત્રણેય રાષ્ટ્રો વચ્ચેનો ગતિરોધ હવે માત્ર મધ્ય પૂર્વ પૂરતો સીમિત ન રહેતા વૈશ્વિક અસ્થિરતાનું કારણ બની રહ્યો છે.
બીજી તરફ, આ યુદ્ધમાં સૌથી મોટો વળાંક તેલ પુરવઠા અને આર્થિક મોરચે આવ્યો છે. અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને ચેતવણી આપી છે કે જો તેલની સપ્લાય ચેઈનમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે, તો હુમલાની તીવ્રતા બમણી કરી દેવામાં આવશે. આ ધમકી છતાં ઈરાન પોતાની રણનીતિ બદલી રહ્યું નથી, જે દર્શાવે છે કે સ્થિતિ હવે મુત્સદ્દીગીરીના હાથમાંથી નીકળીને સંપૂર્ણ સૈન્ય તાકાતના પ્રદર્શન પર આવી ગઈ છે. ઈઝરાયેલના હુમલા, અમેરિકાની વ્યૂહરચના અને ઈરાનનો વળતો પ્રતિકારઆ ત્રણેય પાસાઓએ વિશ્વને એક એવા વળાંક પર લાવી દીધું છે જ્યાંથી આગળનો માર્ગ અત્યંત જોખમી જણાઈ રહ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કરતા જણાવ્યું છે કે, અમેરિકાના ભીષણ હુમલાઓમાં ઈરાનની સૈન્ય શક્તિને કમરતોડ નુકસાન પહોંચ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનના ૪૬ નૌસેના જહાજોને સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવ્યા છે અને તેમની ડ્રોન તથા મિસાઈલ ક્ષમતા લગભગ નષ્ટ કરી દેવામાં આવી છે.
મધ્ય પૂર્વમાં યુદ્ધની ગંભીર સ્થિતિને જોતા અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક વિસ્તાર છોડવા માટે એલર્ટ (Travel Advisory) જારી કર્યું છે. યુએઈ (UAE) સ્થિત અમેરિકી દૂતાવાસે જણાવ્યું છે કે, જેઓ બહાર નીકળવા માંગે છે તેમને સરકાર મદદ કરશે અને ૧૦ માર્ચથી દુબઈ-અબુ ધાબી એરપોર્ટ પરથી વધારાની ફલાઈટ્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમેરિકી સરકારની આ ગંભીર ચિતા દર્શાવે છે કે આગામી સમયમાં આ ક્ષેત્રમાં ભયાનક સૈન્ય હુમલાઓ થઈ શકે છે.
મધ્ય પૂર્વના જંગની જ્વાળાઓ હવે દુબઈ સુધી પહોંચી હોય તેવા ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક ખતરાના સાયરન વાગતા જ અફરાતફરી મચી ગઈ હતી અને તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત બોમ્બ શેલ્ટર્સ (Bomb Shelters) માં ખસેડવામાં આવ્યા હતા. યુદ્ધના ભય વચ્ચે એરપોર્ટ પર ફસાયેલા પ્રવાસીઓના ચહેરા પર મોતનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સફર પર પણ મોટા સંકટના વાદળો ઘેરાયા છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
