News of Tuesday, 10th March 2026
ઈરાન પર અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી ભયાનક પ્રહાર: "આજે વિનાશનો સૌથી તીવ્ર દિવસ હશે", યુએસ યુદ્ધ સચિવ પીટ હેગસેથની આખરી ચેતવણી!
પેન્ટાગોનથી જારી થયો મિશન 'મેક્સિમમ ફોર્સ'નો આદેશ; સેંકડો ફાઈટર જેટ્સ અને બોમ્બર્સ ઈરાનની સુરક્ષા સિસ્ટમ પર તૂટી પડશે, પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ તેજ.

તેહરાન : વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભું હોય તેવો ભયાનક માહોલ સર્જાયો છે. અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન સામે સૈન્ય કાર્યવાહીમાં વિસ્ફોટક વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, આજનો દિવસ ચાલુ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીનો સૌથી "તીવ્ર અને વિનાશક" દિવસ સાબિત થશે. અમેરિકા હવે ઈરાન સામે કોઈ પણ પ્રકારની કૂણી લાગણી રાખવાના મૂડમાં નથી.
'લેસર-ફોકસ્ડ' હુમલા અને બોમ્બર્સનો જમાવડો
પેન્ટાગોનમાં સંયુક્ત ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેઈન સાથે વાત કરતા હેગસેથે જણાવ્યું કે, યુએસ દળો હવે "લેસર-કેન્દ્રિત, મહત્તમ અધિકાર મિશન" ચલાવી રહ્યા છે. આજના હુમલાઓમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં લડાયક વિમાનો અને ઘાતક બોમ્બર્સનો ઉપયોગ કરવામાં આવશે. હેગસેથના મતે, આ સંકલિત હુમલાઓ ઈરાનના લશ્કરી માળખાની કમર તોડી નાખશે.
ઈરાન અલગ-થલગ: પ્રોક્સી જૂથો થયા નબળા
યુદ્ધ સચિવે દાવો કર્યો હતો કે ઈરાન હવે વૈશ્વિક સ્તરે એકલું પડી ગયું છે. તેના પ્રાદેશિક ભાગીદારોએ પણ તેનાથી અંતર જાળવી લીધું છે. વધુમાં, ઈરાનના પીઠબળથી ચાલતા હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા જૂથો કાં તો નબળા પડી ગયા છે અથવા સાવ નિષ્ક્રિય થઈ ગયા છે. હેગસેથે ગંભીર આરોપ લગાવ્યો કે ઈરાન શાળાઓ અને હોસ્પિટલો જેવા નાગરિક વિસ્તારોમાંથી મિસાઈલો છોડીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે.
નવું અમેરિકા, નવી રણનીતિ
આ વખતની સૈન્ય કાર્યવાહીમાં અમેરિકાની રણનીતિ સાવ અલગ છે. હેગસેથે ભારપૂર્વક કહ્યું કે, વોશિંગ્ટન અગાઉના યુદ્ધોની જેમ હવે લાંબા 'રાષ્ટ્ર નિર્માણ' મિશનમાં સમય બગાડશે નહીં, પરંતુ દુશ્મનને સીધો અને સચોટ ફટકો મારીને મિશન પૂરું કરશે. બીજી તરફ, અબુ ધાબીમાં ઈરાની ડ્રોન હુમલાને કારણે એક તેલ રિફાઇનરીમાં આગ લાગવાની ઘટનાએ તણાવમાં ઓર વધારો કર્યો છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
