News of Tuesday, 10th March 2026
ઈન્ડિગોમાં મોટું 'ક્રેશ લેન્ડિંગ': ફ્લાઈટ વિવાદ બાદ CEO પીટર એલ્બર્સનું રાજીનામું; હજારો મુસાફરોને રઝળાવવા અને કરોડોનો દંડ બન્યા પદ છોડવાનું કારણ!
DGCA અને CCIની કડક કાર્યવાહી બાદ એરલાઇન મેનેજમેન્ટમાં ખળભળાટ; નફામાં 78%નો તોતિંગ ઘટાડો અને તપાસના ગાળિયા વચ્ચે પીટર એલ્બર્સે વિખેરાયા - જાણો શું છે સમગ્ર મામલો.

નવી દિલ્હી : ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઈન્ડિગો (IndiGo) અત્યારે ગંભીર સંકટના વાદળો વચ્ચે ઘેરાયેલી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા ફ્લાઇટ રદ કરવાના વિવાદ અને નિયમનકારી સંસ્થાઓના દબાણ વચ્ચે ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સે (Pieter Elbers) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે એરલાઇન તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.
ફ્લાઇટ રદ થતા દેશભરમાં સર્જાયો હતો હોબાળો
આ સમગ્ર વિવાદની શરૂઆત ડિસેમ્બરમાં થઈ હતી, જ્યારે ઈન્ડિગોએ પાયલોટ્સના નવા 'ફ્લાઇટ ડ્યુટી' ધોરણોના અમલીકરણમાં બેદરકારી દાખવી હતી. પૂરતી તૈયારી વિના લેવાયેલા આ નિર્ણયને કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને દેશભરના એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. આ અવ્યવસ્થા બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ કડક તપાસ શરૂ કરી હતી.
કરોડોનો દંડ અને CCIનો તપાસનો ગાળિયો
પીટર એલ્બર્સના રાજીનામા પાછળ DGCA દ્વારા લાદવામાં આવેલો ₹22.2 કરોડનો જંગી દંડ અને ₹50 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાનો આદેશ મુખ્ય માનવામાં આવે છે. એટલું જ નહીં, ભારતીય સ્પર્ધા પંચ (CCI) એ પણ ઈન્ડિગોને પ્રથમ દૃષ્ટિએ દોષિત ઠેરવીને તેની વિરુદ્ધ 90 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. DGCA એ એરલાઇનના શિયાળુ શેડ્યૂલમાં પણ 10% નો કાપ મૂકીને ઈન્ડિગોની મુશ્કેલીઓ વધારી દીધી હતી.
નફામાં મોટું ગાબડું અને શેરબજારની સ્થિતિ
આર્થિક મોરચે પણ ઈન્ડિગો પછડાઈ છે. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 78% ઘટીને માત્ર ₹549.1 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે ₹2,448.8 કરોડ હતો. જોકે, આશ્ચર્યજનક રીતે મંગળવારે શેરબજારમાં ઈન્ડિગોનો શેર 3.46% વધીને ₹4382.45 પર બંધ રહ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે પીટર એલ્બર્સની વિદાય બાદ બુધવારે શેરબજારમાં આ શેર કેવી પ્રતિક્રિયા આપે છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
