હવામાં ઉડતા એર ઇન્ડિયાના વિમાનમાં જોખમી ખેલ! પાઇલટની સીટ પર બેસી એર હોસ્ટેસે બનાવી રીલ; વીડિયો વાયરલ થતા એરલાઇને શરૂ કરી આંતરિક તપાસ!
"કોકપીટના હૃદયમાં સ્વાગત છે" ના લખાણ સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતો વીડિયો હવે એર હોસ્ટેસને પડશે ભારે; ઉડ્ડયન સુરક્ષાના નિયમોના ભંગ બદલ એર ઇન્ડિયા લાલચોળ

નવી દિલ્હી : આજના સોશિયલ મીડિયાના યુગમાં 'રીલ્સ' બનાવવાનું ભૂત ક્યારેક સુરક્ષાના ગંભીર જોખમો ઉભા કરે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જોવા મળ્યો છે, જ્યાં એક એર હોસ્ટેસ વિમાનના અતિ સુરક્ષિત ગણાતા કોકપીટમાં પાઇલટની સીટ પર બેસીને વીડિયો બનાવતી જોવા મળી હતી. આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ જતાં એરલાઇન મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે અને આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે.
રીલના ચક્કરમાં મુસાફરોની સુરક્ષા દાવ પર?
નેહા સિંહ નામની ઇન્સ્ટાગ્રામ યુઝરે સૌપ્રથમ આ વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે પાઇલટની ખાલી સીટ પર બેઠેલી જોઈ શકાય છે. વીડિયોમાં લખાણ હતું, "એરક્રાફ્ટ-કોકપીટના હૃદયમાં આપનું સ્વાગત છે." એક્સ (ટ્વિટર) પર નિખિલ સૈની નામના યુઝરે આ ક્લિપ શેર કરીને સવાલ ઉઠાવ્યો હતો કે, "શું વિમાન જ્યારે હવામાં હોય ત્યારે આવા વર્તનની મંજૂરી આપી શકાય? શું આનાથી મુસાફરોની સલામતી જોખમાતી નથી?" આ પ્રશ્ને સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જગાડી છે.
એર ઇન્ડિયાનો ખુલાસો: "અમે વાકેફ છીએ"
વિવાદ વધતા એર ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. એરલાઇને પુષ્ટિ આપી છે કે વીડિયોમાં દેખાતી યુવતી તેમની ભૂતપૂર્વ કેબિન ક્રૂ સભ્ય છે. એરલાઇને જણાવ્યું હતું કે, "અમારી પાસે કોકપીટમાં પ્રવેશવા અંગેના અત્યંત કડક પ્રોટોકોલ છે. અમે આ વીડિયોની સત્યતા ચકાસી રહ્યા છીએ અને તે કયા સંજોગોમાં શૂટ કરવામાં આવ્યો હતો તેની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે." એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાના નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
શું કહે છે નિયમો?
ઉડ્ડયન નિયમો અનુસાર, કોકપીટમાં પ્રવેશ માત્ર અધિકૃત વ્યક્તિઓ માટે જ મર્યાદિત હોય છે, ખાસ કરીને જ્યારે વિમાન હવામાં હોય. ભૂતકાળમાં પણ પાયલોટ કે ક્રૂ મેમ્બર્સ દ્વારા કોકપીટમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ આપવા બદલ લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી થઈ ચૂકી છે. હવે તપાસ બાદ એ જોવાનું રહેશે કે આ વીડિયો ક્યારે અને કઈ ફ્લાઇટમાં લેવામાં આવ્યો હતો અને તે સમયે પાયલોટની ભૂમિકા શું હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
