News of Tuesday, 10th March 2026
ઈરાન યુદ્ધની આગમાં એલ્યુમિનિયમ પણ 'ઓગળ્યું': સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી કટોકટીથી ભાવ 4 વર્ષની ટોચે, શું હવે કાર અને ઘરવખરી મોંઘી થશે?
વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમ પ્રતિ ટન $3,500ને પાર; ગલ્ફ દેશોનો સપ્લાય ખોરવાતા હાહાકાર, ભારત પર કેવી થશે અસર? જાણો વિગતવાર રિપોર્ટ.

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષની અસર હવે માત્ર તેલ કે ગેસ પૂરતી મર્યાદિત રહી નથી. વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં યુદ્ધને કારણે સર્જાયેલા અવરોધને પગલે એલ્યુમિનિયમના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. લંડન મેટલ એક્સચેન્જ (LME) પર એલ્યુમિનિયમની કિંમતો ચાર વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે, જેનાથી વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
હોર્મુઝની કટોકટી અને ગલ્ફનો સપ્લાય
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર તેલ માટે જ નહીં, પણ એલ્યુમિનિયમના વેપાર માટે પણ કરોડરજ્જુ સમાન છે. બહેરીન, કતાર અને યુએઈ જેવા દેશો દર વર્ષે આ માર્ગે 50 લાખ મેટ્રિક ટનથી વધુ એલ્યુમિનિયમ પશ્ચિમી દેશોમાં મોકલે છે. યુદ્ધને કારણે જહાજોના રૂટ બદલાયા છે અને નિકાસ ધીમી પડી છે. કતારના મોટા 'કતાલુમ' સ્મેલ્ટરે તો ગેસ સપ્લાયના અભાવે કામગીરી પણ બંધ કરી દીધી છે, જેને ફરી શરૂ કરવામાં મહિનાઓ લાગી શકે છે.
કાચા માલની અછત અને વધતા ભાવ
એલ્યુમિનિયમ બનાવવા માટે જરૂરી બોક્સાઈટ અને એલ્યુમિના વહન કરતા જહાજો હવે ગલ્ફના બંદરો પર જવાને બદલે એશિયા તરફ વળી રહ્યા છે. આ પુરવઠા સાંકળ તૂટવાને કારણે એલ્યુમિનિયમના ભાવ પ્રતિ ટન $3,544 સુધી પહોંચી ગયા છે. વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે, તો ભાવ $4,000ની સપાટી પણ વટાવી શકે છે. રશિયા પરના પ્રતિબંધો અને ચીનના મર્યાદિત ઉત્પાદનને કારણે બજારમાં પહેલેથી જ ખેંચતાણ હતી, જે હવે યુદ્ધને કારણે વકરી છે.
ભારત માટે તક અને પડકાર બંને
ભારત માટે આ પરિસ્થિતિ મિશ્ર સાબિત થઈ શકે છે. ભારત પાસે હિન્ડાલ્કો અને વેદાંત જેવા મજબૂત સ્થાનિક ઉત્પાદકો હોવાથી આપણે ગલ્ફના દેશો પર વધુ નિર્ભર નથી. જોકે, ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન અને પેકેજિંગ ઉદ્યોગમાં વપરાતા ખાસ એલોય મોંઘા થઈ શકે છે, જેનાથી ઉત્પાદન ખર્ચ વધશે. બીજી તરફ, જો વૈશ્વિક સ્તરે સપ્લાય ઘટશે, તો ભારતીય એલ્યુમિનિયમ કંપનીઓ માટે નિકાસ વધારવાની મોટી તક પણ ઉભી થઈ શકે છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
