<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

બેંગલુરુના રસોડામાં 'ગેસ' ગુમ, 'જુગાડ' શરૂ: ઢોસા-ઈડલીને બદલે હવે સેન્ડવીચથી ચલાવવું પડશે કામ; LPG કટોકટી વચ્ચે રેસ્ટોરાં માલિકો લાકડા અને કોલસાના શરણે!

મધ્ય પૂર્વના યુદ્ધની સીધી અસર આઈટી સિટીની થાળી પર; ગેસનો પુરવઠો ઠપ થતા હોટલોએ મેનૂમાં કર્યો મોટો કાપ, રસોડામાં પ્લાયવુડ અને લાકડાના ભારા દેખાયા.

બેંગલુરુ : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સાત સમુદ્ર પાર ભારતના રસોડા સુધી પહોંચી ગઈ છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ ઉદ્યોગમાં હાહાકાર મચી ગયો છે. જે શહેર સવારના ગરમાગરમ ઢોસા અને વડા માટે જાણીતું હતું, ત્યાં હવે ગેસની અછતને કારણે અનેક જાણીતી રેસ્ટોરન્ટ્સ 'લિિમટેડ મેનૂ' પર આવી ગઈ છે. ગ્રાહકોને હવે મનગમતી વાનગીઓને બદલે સેન્ડવીચ કે ઓછી આંચ પર બનતી વસ્તુઓથી સંતોષ માનવો પડી રહ્યો છે.
મેનૂ કાર્ડ પર લાગી 'માફી પત્ર'ની નોટિસ
બેંગલુરુના ગાંધી નગર વિસ્તારમાં આવેલી સેન્કટમ હોટેલ સહિત અનેક ખાણીપીણીની દુકાનોના પ્રવેશદ્વાર પર અત્યારે એક જ પ્રકારની નોટિસ જોવા મળી રહી છે. જેમાં લખ્યું છે: "પ્રિય મહેમાનો, મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઇંધણ પુરવઠો બંધ છે, તેથી અમે સંપૂર્ણ મેનૂ પીરસી શકવા અસમર્થ છીએ." હોટલ સંચાલકો હવે ગ્રાહકો પાસે સહકારની અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે ઇંધણના અભાવે ભઠ્ઠીઓ સળગાવવી મુશ્કેલ બની ગઈ છે.
આધુનિક રસોડામાં પાછો ફર્યો જૂનો જમાનો
જે રસોડામાં અત્યાધુનિક ગેસ સ્ટવ અને ઓવન હતા, ત્યાં હવે શેફ અને સ્ટાફ પ્લાયવુડની શીટ્સ અને લાકડાના ભારા લઈ જતા જોવા મળે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયા હોવાથી હોટલ માલિકો હવે કોલસા અને લાકડા જેવા પરંપરાગત બળતણનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. કેટલાક સ્થળોએ ઇલેક્ટ્રિક સ્ટવ દ્વારા કામ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ તે પણ જંગી ઓર્ડર પૂરા કરવા માટે અપૂરતા સાબિત થઈ રહ્યા છે.
હોટલો બંધ થવાની ભીતિ
બેંગલુરુ હોટેલ્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, જો આગામી થોડા દિવસોમાં LPG પુરવઠો રાબેતા મુજબ નહીં થાય, તો શહેરની સેંકડો નાની-મોટી હોટલોને તાળા મારવાની નોબત આવી શકે છે. ગેસના અભાવે માત્ર મેનૂ જ નથી બદલાયું, પરંતુ રસોઈ બનાવવાનો ખર્ચ અને મહેનત પણ વધી ગઈ છે. હાલમાં શહેરના ખાદ્યપ્રેમીઓ માટે 'ગુડબાય ઢોસા, હેલો સેન્ડવીચ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

(9:13 PM IST)