હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્સર સામે ભારતનું બ્રહ્માસ્ત્ર: ખારઘરના 'પ્રોટોન થેરાપી' સેન્ટરે 900 દર્દીઓને આપ્યું નવજીવન; માસૂમ બાળકો માટે આશીર્વાદરૂપ બની આ આધુનિક ટેકનોલોજી!
માત્ર અઢી વર્ષમાં 400થી વધુ બાળકોની સફળ સારવાર, 90% દર્દીઓને મફત અથવા સબસિડી દરે મળ્યું લાઈફ-સેવિંગ ટ્રીટમેન્ટ; આડઅસર વગર ગાંઠનો ખાતમો કરતી દેશની એકમાત્ર સરકારી સુવિધા.

નવી મુંબઈ : કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા દર્દીઓ અને ખાસ કરીને નાના બાળકો માટે મુંબઈના ખારઘર સ્થિત ટાટા મેમોરિયલ સેન્ટરનું ACTREC કેમ્પસ આશાનું નવું સરનામું બન્યું છે. અહીં કાર્યરત 'પ્રોટોન થેરાપી' સુવિધાએ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 900થી વધુ દર્દીઓની સારવાર કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે સારવાર લેનારા દર્દીઓમાં અત્યાર સુધી કેન્સર ફરી ઉથલો માર્યાનો એક પણ કેસ નોંધાયો નથી.
શું છે આ પ્રોટોન થેરાપી અને શા માટે છે તે ખાસ?
સામાન્ય રેડિયેશનમાં કેન્સરની ગાંઠની સાથે આસપાસના તંદુરસ્ત કોષોને પણ નુકસાન થતું હોય છે, પરંતુ પ્રોટોન થેરાપી 'પેન્સિલ બીમ સ્કેનિંગ' ટેકનોલોજીથી સજ્જ છે. આ ટેકનોલોજી લેસરની જેમ માત્ર કેન્સરની ગાંઠને જ નિશાન બનાવે છે, જેના કારણે આસપાસના અંગો સુરક્ષિત રહે છે. ખાસ કરીને બાળકોમાં લાંબા ગાળાની આડઅસરો ઘટાડવા માટે આ પદ્ધતિ વિશ્વભરમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2023માં આ અત્યાધુનિક સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
ગરીબ દર્દીઓ માટે મફત સારવારની સુવિધા
કેન્સરની આ મોંઘી સારવાર સામાન્ય માણસની પહોંચની બહાર ન રહે તે માટે ટાટા હોસ્પિટલે ઉમદા અભિગમ અપનાવ્યો છે. કુલ દર્દીઓમાંથી 60% ને સબસિડીવાળા દરે અને લગભગ 30% ગરીબ દર્દીઓને CSR ફંડ દ્વારા સંપૂર્ણપણે મફત સારવાર આપવામાં આવી છે. આ કેન્દ્રમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, હાડકાના ટ્યુમર અને માથા-ગરદનના કેન્સરના જટિલ કેસોની સફળ સારવાર કરવામાં આવે છે.
બાળકો માટે ખાસ 'પ્લે એરિયા' અને હુંફાળું વાતાવરણ
સારવાર લેનારાઓમાં 44% એટલે કે લગભગ 400 જેટલા નાના બાળકો છે. ખૂબ નાના બાળકોને એનેસ્થેસિયા આપીને સારવાર કરવાની અહીં વિશેષ વ્યવસ્થા છે. બાળકો હોસ્પિટલના ડર વગર સારવાર કરાવી શકે તે માટે અહીં સમર્પિત 'પ્લે એરિયા' બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, બહારગામથી આવતા દર્દીઓ માટે નજીવા દરે રહેવાની વ્યવસ્થા અને 'પ્રેરક' નામનું સપોર્ટ ગ્રુપ પણ કાર્યરત છે, જે દર્દીના પરિવારજનોને માનસિક હિંમત પૂરી પાડે છે.
ACTREC ના ડિરેક્ટર પંકજ ચતુર્વેદીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સાથે મળીને આ ટેકનોલોજીને વધુ સસ્તી અને અસરકારક બનાવવા પર સંશોધન ચાલી રહ્યું છે, જેથી ભારત કેન્સરની સારવારમાં વિશ્વનું હબ બની શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
