News of Tuesday, 10th March 2026
સોશિયલ મીડિયા પર સેન્સરશિપ કે સુરક્ષા? IT નિયમો પર કેન્દ્રને સુપ્રીમનો મોટો ઝટકો: હાઈકોર્ટના સ્ટે પર ઇનકાર
ફેક્ટ ચેક યુનિટ (FCU) સ્થાપવાની સરકારની સત્તાને ગેરબંધારણીય ઠેરવતા મુંબઈ હાઈકોર્ટના ચુકાદામાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર : ફેક ન્યૂઝના જોખમ પર ચિંતા છતાં કાયદાકીય માન્યતા પર હવે દેશની સર્વોચ્ચ અદાલત કરશે અંતિમ ફેંસલો

નવી દિલ્હી: ભારત સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે ચાલી રહેલી 'ડિજિટલ વોર' હવે સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચી છે. મુંબઈ હાઈકોર્ટે કેન્દ્ર સરકારના ૨૦૨૩ના વિવાદાસ્પદ IT સુધારાને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધા હતા, જેની સામે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. જોકે, CJI સૂર્યકાંતની ખંડપીઠે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. આનો અર્થ એ થયો કે હાલ પૂરતું સરકાર સોશિયલ મીડિયા પર 'ફેક્ટ ચેક યુનિટ' સ્થાપી શકશે નહીં કે સરકારી કામકાજ અંગેની માહિતીને પોતાની રીતે 'ખોટી' ઠેરવીને હટાવી શકશે નહીં. કોર્ટે આ મામલે હાસ્ય કલાકાર કુણાલ કામરા અને એડિટર્સ ગિલ્ડ જેવા પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે અત્યંત ગંભીર ટિપ્પણીઓ કરી હતી. CJI એ સ્વીકાર્યું હતું કે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અત્યંત ખતરનાક રીતે કાર્ય કરી રહ્યા છે, ખાસ કરીને ભારતીય સેના અને રાષ્ટ્રીય નીતિઓ વિશે ફેલાવવામાં આવતા નકલી સંદેશાઓ દેશની સુરક્ષા માટે જોખમી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સરકારનો ઈરાદો કોઈનો અવાજ દબાવવાનો નથી, પરંતુ ખોટી માહિતીને ફેલાતી રોકવાનો છે. જોકે, સામે પક્ષે વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે એવી દલીલ કરી હતી કે ૨૦૨૩ના નિયમોમાં 'ભ્રામક માહિતી'ની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા જ નથી, જેનો અર્થ એ કે સરકાર પોતાની ટીકા કરતી કોઈપણ પોસ્ટને 'ફેક' ગણાવી શકે છે.
આ કાનૂની જંગનું પરિણામ ભારતમાં ઈન્ટરનેટના ભવિષ્ય અને વાણી સ્વાતંત્ર્ય પર મોટી અસર પાડશે. ૨૦૨૧ના મૂળ IT નિયમોમાં સુધારો કરીને સરકારે જે ફેક્ટ-ફાઇન્ડિંગ યુનિટ (FCU) બનાવવાની સત્તા મેળવી હતી, તેને મીડિયા જગત અને સ્વતંત્ર વિચારકો 'સરકારી સેન્સરશિપ' તરીકે જોઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે હવે આ જોવાનું રહેશે કે નકલી સમાચારોના જોખમથી બચવા અને નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. હાલમાં તો હાઈકોર્ટનો સ્ટે ન મળતા ડિજિટલ એક્ટિવિસ્ટ્સ માટે આ એક મોટી નૈતિક જીત માનવામાં આવી રહી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
